• ઉત્તરપ્રદેશમાં પરણેલા અંબાલિકાદેવી પુસ્પેન્દ્રસિંહ (૫૫૧-સિવિલ લાઇન, ઝાંસી) રાજકોટના માજી રાજવી મનોહરસિંહ જાડેજાના પુત્રી છે
  • ભાઇ, બહેન, માતા અને બીજા બહેન એ ચારે’ય વિરૂદ્ધની વાંધા અરજી સંદર્ભે નોંધ તકરારી રજીસ્ટરે લઇને કેસ ચલાવવામાં આવ્યો
  • માંધાતાસિંહે અંબાલિકાદેવીનું નામ કમી કરવા જે કાચી નોંધ પડાવી તેની સામે વાંધો લઇને બહેને પોતાનો હકક પણ ઉઠાવ્યો
  • જમીનની માલિકી હજુ નકકી થઇ નથી

WatchGujarat. જર જમીન અને જોરૂ ત્રણ કજિયાનાં છોરું કહેવતને સાર્થક કરતી ઘટના રાજવી પરિવારમાં સામે આવી છે. જેમાં રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ પરિવારની કરોડો રૂપિયાની સ્થાવર મિલ્કત માટેનો આપસી ટકરાવ સપાટી પર આવ્યો છે. દોઢેક વર્ષ પૂર્વે રાજકોટના ઠાકોર તરીકે જેમની તાજપોશી કરવામાં આવી હતી તે માંધાતાસિંહ જાડેજા અને તેમના બહેન અંબાલિકાદેવી વચ્ચે જમીન પર હકક મામલે ચાલતી તકરાર કેસ સ્વરૂપે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં પહોંચી છે. જો કે માંધાતાસિંહે જણાવ્યું હતું કે, આ અમારા પરિવારની આંતરિક બાબત છે. અને તેમાં પણ કુટુંબીજનોમાં સુમેળ છે. એટલે વિવાદનું કોઈ કારણ નથી. જે કઈ ગેરસમજ હશે તે ઘરમેળે દૂર કરવામાં આવશે.

ઉત્તરપ્રદેશમાં પરણેલા અંબાલિકાદેવી પુસ્પેન્દ્રસિંહ (૫૫૧-સિવિલ લાઇન, ઝાંસી) રાજકોટના માજી રાજવી મનોહરસિંહ જાડેજાના પુત્રી છે. તેમણે અગાઉ રાજકોટ (પૂર્વ) મામલતદારની કોર્ટમાં ૩૧-૭-૨૦૨૦ ના રોજ પોતાના ભાઇ-બહેનો વિરૂદ્ધ વાંધા અરજીઓ આપી હતી. રાજકોટ શહેરના રેવન્યુ સર્વે નં. ૧૬૩ પૈકી ૩,૧ની ૧૪ હેકટર, સર્વે નં. ૧૬૩ પૈકી ૨ ની ૭૯૯૩ ચો.મી. અને સર્વે નં. ૧૨૯ પૈકી ૩ની ૧૨૧૪ ચો.મી. જમીનમાં ઇધરા રેકોર્ડમાં હકપત્રક ફેરફારના સંદર્ભે ગામ નમુના નંબર ૬ની જે વારસાઇ નોંધો (અનુક્રમે ૩૮૯, ૩૯૦ અને ૪૮૮૦) તા. ૩૦ જૂન ૨૦૨૦ ના રોજ ઓનલાઇન દાખલ થઇ હતી. તેની ૧૩૫-ડી ની નોટિસને અનુલક્ષીને એ વાંધા અરજીઓ આપી હતી. પોતાના ભાઇ માંધાતાસિંહ (રણજીત વિલાસ પેલેસ, રાજકોટ), બહેન શાંતિદેવી મનોહરસિંહ જાડેજા (માતૃકલ્પ, પ્રેમપ્રકાશ આશ્રમ સામે, પુષ્કર, અજમેર), માતા માનકુમારીદેવી (રાજકોટ) અને બીજા બહેન ઉમાકુમારી છત્રસાલસિંહ (કિલ્લા ઉચેહરા, વોર્ડ નં.-૯, સતના, મધ્યપ્રદેશ) એ ચારે’ય વિરૂદ્ધની વાંધા અરજી સંદર્ભે નોંધ તકરારી રજીસ્ટરે લઇને કેસ ચલાવવામાં આવ્યો હતો.

મહેસૂલી કચેરીના આધારભૂત સુત્રોનાં કહેવા મુજબ સ્વ. મનોહરસિંહ જાડેજાની જમીનના એગ્રિકલ્ચર લેન્ડ સીલિંગ એકટ અંગેના કેસોમાં યુનિટ નકકી થયા તે તમામ સામે અમૂક વારસોએ અપીલ કરતાં સિટી પ્રાંત -૧માં કેસ ચાલુ છે, જયારે માધાપરની જમીનનો આવો જ એક કેસ હવે પ્રાંત-૨ અધિકારી સમક્ષ શરૂ થયો છે. આજે આ કેસ બોર્ડ પર આવતાં એસડીએમ, સિટી-૨ પ્રાંત અધિકારીએ બંને પક્ષને સાંભળ્યાં હતા. જાણવા મળતી વિગત મુુજબ, માંધાતાસિંહે અંબાલિકાદેવીનું નામ કમી કરવા જે કાચી નોંધ પડાવી તેની સામે વાંધો લઇને બહેને પોતાનો હકક પણ ઉઠાવ્યો છે.

આગળની કાર્યવાહી માટે હવે બંનેએ પોતાની સાબિતી આપવાની છે. જમીનની માલિકી હજુ નકકી થઇ નથી અને સૂત્રો એમ પણ ઉમેરે છે કે અંબાલિકાદેવીએ ભાઇ માંધાતાસિંહ વડીલોપાર્જિત વારસાઇ મિલ્કતમાં કોઈ વારસદારોને વિશ્વાસમાં લીધા વગર વહીવટ ચલાવી રહ્યાં છે. ભૂતપૂર્વ ધારાસભ્ય, નાણામંત્રી અને રણજી ટ્રોફી માટેની સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમના કપ્તાન રહી ચૂકેલા પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાના પરિવારનો આ વિવાદ અગાઉ પણ ચર્ચામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud