• રાજકોટમાં સ્કૂલ દ્વારા અપાયેલી નોટિસને કારણે બાળકોના ભવિષ્યને લઈ પિતા ચિંતામાં મુકાયા
  • પિતાને નોટીસ ફટકારી જણાવ્યું કે, તમે મીડિયા સમક્ષ ખોટી રજુઆત કરી સ્કૂલની બદનામી કરી ઘર્ષણમાં ઉતરો છો
  • લિવિંગ સર્ટી લેવા નહીં આવો તો રજીસ્ટર એડી દ્વારા તમારા ઘરે મોકલી આપવામાં આવશે તેમ જણાવાયું

Watchgujarat. સરકારના અનેક દાવાઓ અને નિયમો છતાં સ્કૂલ સંચાલકો વાલીઓ સાથે મનમાની કરી સરેઆમ નિયમોનો ભંગ કરી રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરની રોઝરી સ્કૂલ દ્વારા બે બાળકોની ફી બાકી હોવાને કારણે 3 દિવસમાં તેઓનું લિવિંગ સર્ટી લઈ લેવા વાલીને નોટિસ અપાઈ છે. સ્કૂલ દ્વારા અપાયેલી આ નોટિસને કારણે પોતાના બંને બાળકોના ભવિષ્યને લઈ તેઓના પિતા મુકુંદભાઈ રાવલ ચિંતામાં મુકાયા છે. અને સમગ્ર મામલે ત્વરિત કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારી અને સરકાર પાસે મદદ માંગી છે.

જાણવા મળતી વિગત અનુસાર મુકુંદભાઈ રાવલનાં બે સંતાનો રોઝરી સ્કૂલમાં અભ્યાસ કરે છે. જેમાં ધોરણ 5માં અભ્યાસ કરતા નીલની ગતવર્ષની રૂ. 2500 અને એચકેજીમાં ભણતા વીરની રૂ. 6250 જેટલી ફી બાકી છે. આ કારણે સ્કૂલ દ્વારા મુકુંદભાઈને નોટિસ અપાઈ છે. જેમાં જણાવાયું છે કે, શાળાએ તમારા બંને પુત્રોની  ફી માં રાહત આપી છે. છતાં તમે મીડિયા સમક્ષ ખોટી રજુઆત કરી સ્કૂલની બદનામી કરી ઘર્ષણમાં ઉતરો છો. જેથી આપના બાળકની જરૂરિયાતો સંતોષી શકે તેવી શાળામાં એડમિશન લેવા માટે 3 દિવસમાં બંનેના લિવિંગ સર્ટી લઈ જજો. જો તમે લિવિંગ સર્ટી લેવા નહીં આવો તો રજીસ્ટર એડી દ્વારા તમારા ઘરે મોકલી આપવામાં આવશે.

આ અંગે ભોગ બનનાર વાલી મુકુંદભાઈ કહે છે કે, મેં સ્કૂલને ફી ભરવાની લેખિત બાંહેધરી આપી છે. સાથે જ હું પોસ્ટ ડેટેડ ચેક આપવા પણ તૈયાર છું. છતાં આ સ્કૂલ મને ધમકી આપે છે. અને જો ફી નહીં ભરાય તો લિવિંગ સર્ટી ઘરે મોકલી દેવાનું જણાવે છે. આ માટે મેં જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી. પરંતુ તે ફોન કે રૂબરૂ મળતા નહીં હોવાથી રાજ્ય સરકારને પણ સોશિયલ મીડિયા દ્વારા રજૂઆત કરી છે. જેમાં આ શાળાની મંજૂરી રદ્દ કરવાની માંગ કરી છે. આ સરકાર રાતોરાત અનેક નિર્ણયો લે છે. પણ સ્કૂલ દ્વારા વાલીને થતી હેરાનગતિ દૂર કરવા શા માટે કોઈ નિર્ણય લેવાતો નથી ? તેવો સવાલ પણ મુકુંદભાઈએ ઉઠાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા દરેક શાળાના વિદ્યાર્થીઓને ફીમાં 25%ની રાહત આપવા જાહેરાત કરવામાં આવી હતી. જોકે આમ છતાં પણ કેટલાક વાલીઓ આર્થિક મુશ્કેલીને કારણે ફી ભરી શક્યા ન હતા. આવા વાલીઓ સામે સંચાલકો દ્વારા બાળકને ઓનલાઈન એજ્યુકેશનમાંથી દૂર કરી દેવા, પરિણામો અટકાવી દેવા અને આવી નોટિસો આપવા સહિતની દાદાગીરી કરવામાં આવી રહી છે. જેને લઈ કોરોનાનાં કપરા કાળ વચ્ચે વાલીઓની મુશ્કેલી વધી છે. ત્યારે હવે સરકાર આ મામલે ક્યારે અને શું પગલાં લેશે તે તો આવનારો સમય જ બતાવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud