• રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવી સ્કોર્પિયો કાર ચોરી કરતી ટોળના 4 આરોપી દબોચ્યા
  • રાજસ્થાનમાં અફીણની હેરાફેરી માટે ચોરાયેલી સ્કોર્પિયો ઉપયોગ લેવાતી
  • અગાઉ નાકાબંધી અને ચેકીંગ દરમિયાન જુદી-જુદી બે ઘટનામાં આરોપીઓએ ફાયરિંગ કરતા રાજસ્થાન પોલીસના બે જવાન શહીદ થયા હતા
  • સમગ્ર મામલે ડીસીપી ઝોન – 1 પ્રવિણ કુમારે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા

WatchGujarat. ક્રાઈમ બ્રાન્ચે સ્કોર્પિયો કારની ચોરી કરતી રાજસ્થાની ગેંગનાં 4 સભ્યોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ સરળતાથી ચોરી કરવા માટે રૂ. 1 લાખનું કાર સ્કેનર રાખતા હોવાનું સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓની પૂછપરછમાં મહિન્દ્રા કંપનીની કારની ચોરી ખૂબ સરળ હોવાનું સામે આવતા કંપનીને જાણ કરવા તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 2 સ્વીફ્ટ કાર, જીપીએસ ટ્રેકર, કાર સ્કેનર, ડિસમિસ, ચાર મોબાઈલ ફોન મળી રૂપિયા 7.35 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી ખાતે ડીસીપી ઝોન – 1 પ્રવિણ કુમારે પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવી સ્કોર્પિયો કાર ચોરી કરતી ટોળના 4 આરોપી ઓમપ્રકાશ અંગારારામ સુર્જનરામ ખીલેરી અર્જુન ઉર્ફે અર્જુનરામ ઉર્ફે અનીલ રઘુનાથરામ ખીલેરી બીસ્નોઇ, ઓમપ્રકાશ ઉર્ફે પ્રકાશ ભગવાનરામ વગદારામ ડારા બીસ્નોઇ અને પીરારામ લાડુરામ જાણી બીસ્નોઇને દબોચી લીધા છે. અને તેમની પૂછપરછમાં અન્ય આરોપી મોટારામ મુળારામ કડવાસરા, બંસીલાલ અન્નારામ ખીલેરી, ઓમપ્રકાશ ઉર્ફે પીન્ટુ મંગલારામ ખીલેરી બીસ્નોઇ, ઉપરાંત ઓમપ્રકાશ જોરારામ ખીલેરીનાં નામ ખુલતા તેઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં અફીણની હેરાફેરી માટે ચોરાયેલી સ્કોર્પિયો ઉપયોગ લેવાતી હતી. આરોપીઓ 15થી 20 લાખની કિંમતના સ્કોર્પિયો રૂ.1 લાખથી 3 લાખ સુધીમાં વેચતા હતા. આવી સ્કોર્પિયો ખરીદી અન્ય આરોપીઓ અફીણ લઈ જઈ રહ્યા હતા. ત્યારે નાકાબંધી અને ચેકીંગ દરમિયાન જુદી-જુદી બે ઘટનામાં આરોપીઓએ ફાયરિંગ કરતા રાજસ્થાન પોલીસના બે જવાન શહીદ થયા હતા. આ પૈકી એક ઘટનામાં રાજકોટમાંથી જ ચોરી થયેલી સ્કોર્પિયોનો ઉપયોગ થયો હતો. આરોપીઓના વિસ્તારમાં બ્લેક સ્કોર્પીયોની ખુબ મોટા પ્રમાણમાં માંગ હોય છે. અને આ પ્રકારની સ્કોર્પિયો સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ તથા ગોંડલ વિસ્તારમાં વધારે પ્રમાણમાં વપરાતી હોય આરોપીઓ જોખમ અને દુર આવવુ પડતુ હોવા છતા પણ આ વિસ્તારમાં ચોરી કરવા માટે આવતા હતા.

આરોપીઓએ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, વડોદરા, ગાંધીધામ, આણંદ, સાણંદ, પેટલાદ, નડિયાદ સહિતના ગુજરાતના શહેરો અને રાજસ્થાન હરિયાણાથી ચોરી કરેલી 18 સ્કોર્પિયાના ગુના કબૂલ્યા છે. આરોપીઓ બે સ્વીફ્ટ કારમાં ચોરી કરવા રાજકોટ આવતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી લીધા છે. આ આરોપીઓ જો કારમાં જીપીએસ સિસ્ટમ હોય તો તેને શોધવા અને દૂર કરવા જીપીએસ ટ્રેકર સાથે રાખતા અને સ્કોર્પિયોમાંથી ઇમોબીલાઈઝર કાઢી પોતાનું નાખી દેતા હતા. તો સાથે જ સરળતાથી ચોરી કરવા માટે રૂ. 1 લાખની કિંમતનું કાર પ્રોગ્રામર / સ્કેનર પણ સાથે જ રાખતા હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓએ પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે, તે મહીન્દ્રા કંપનીની ગાડી વધારે પસંદ કરતા હતા. કારણ કે અન્ય કંપની કરતા મહીન્દ્રા કંપનીની ઇસીએમ તથા ઇમોબીલાઇઝર બદલવામાં અન્ય ગાડી કરતા ઓછો સમય લાગતો હતો. જેને લઈ પોલીસે આવી ચોરી થતી અટકાવવા માટે કારમાં જરૂરી સુધારા કરવા અને કાર ચોરવામાં આરોપીને જે સરળતા રહેતી હતી તે બાબતે મહીન્દ્રા કંપનીનું ધ્યાન દોરવા તજવીજ હાથ ધરી છે. જેથી ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય. આ આંતરરાજ્ય ગેંગને ઝડપી લેવા બદલ પોલીસ કમિશ્નર દ્વારા આ કામગીરી કરનાર ટીમને રૂ. 15,000નું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

જાણો કેવી હતી આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી

આરોપીઓ રાત્રીના 10 વાગ્યા આસપાસ ગાડીની રેકી કરી અને ગાડી નક્કી લેતા હતા. બાદમાં રાત્રે 2 વાગ્યા આસપાસ કારની ચોરી કરતા હતા. ચોરી કરતી વખતે સૌપ્રથમ સ્કોર્પિયોની નીચે જઇને કારની સાયરનનો વાયર કાપી નાખતા હતા. જેથી દરવાજો ખોલાવાથી સાયરન ન વાગે. ત્યારબાદ કારની વચ્ચેના દરવાજામાં આવેલ બે કાચ પૈકી નાના કાચની રીબીન કાઢી બે ડીસમીસથી આખો કાચ કાઢી નાખતા, એ બાદ હાથ નાખી અંદરથી વચ્ચેનો દરવાજો ખોલી કારમાં અંદર પ્રવેશી સ્ટેરીંગ વ્હીલ નીચે આવેલા ઇમોબીલાઇઝરના સ્ક્રુ ખોલી ઇમોબીલાઇઝર કાઢી પોતાની સાથે લાવેલ ઇમોબીલાઇઝર ફીટ કરતા હતા. બાદમાં બોનેટ ખોલી બોનેટમાં આવેલ ઇસીએમ કાઢી અને પોતાની સાથે લાવેલ પોતાના સેટનું જ ઇસીએમ લગાવી દેતા અને કાર ચાલુ થઇ જાય તો લઇને જતા રહે છે. જો કાર ચાલુ કરવામાં એરર બતાવતો પોતાની સાથે રહેલા કાર સ્કેનરથી ગાડીમાં રહેલ ફોલ્ટ સ્કેન કરતા અને તે ફોલ્ટ દુર કરીને કાર લઈ ફરાર થઈ જતા હતા. તેઓ હંમેશા સ્કેનર પોતાની સાથે જ રાખતા અને અગાઉથી નક્કી થયેલા રૂટ મુજબ જ પોતાની તેમજ ચોરીની કાર લઇ હાઇસ્પીડથી નક્કી કરેલી જગ્યાએ પહોંચી જતા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud