• વિરડા વાજડી ગામમાં રહેતા ભરવાડ પરિવારનો આધારસ્તંભ 18 વર્ષીય પુત્ર  મશરૂ નાગજીભાઇ ટોયટા નોકરીએ જઈ રહ્યો હતો
  • ન્યારી ડેમ રોડ પર નંબર વિનાની કારનાં ચાલકે યુવકના બાઇકને ઉલાળી 100 ફૂટથી વધુ દૂર સુધી ધસડયું
  • બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં વીરડા વાજડીના ગ્રામજનો અને આગેવાનો પહોંચી ગયા

WatchGujarat. શહેરમાં અકસ્માતોની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. તાજેતરમાં શહેરના કાલાવડ રોડ પરના વાજડી નજીક ગોઝારા અકસ્માતમાં મેડિકલ કોલેજનાં 4 વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. ત્યારે આજે ફરી આ જ રોડ પર ન્યારી ડેમ પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લઈને 100 ફૂટથી વધુ ઢસડતા બાઈક સવાર યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ યુવકનું મોત નિપજતાં રક્ષાબંધન પહેલા જ બે બહેનોએ ભાઈ ગુમાવવાનો વારો આવ્યો છે. જેને લઈને પરિવારમાં કલ્પાંત છવાયો છે. હાલ તો સ્થાનિકોએ કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનો કબ્જો પોલીસને સોંપતા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, વિરડા વાજડી ગામમાં રહેતા ભરવાડ પરિવારનો આધારસ્તંભ 18 વર્ષીય પુત્ર  મશરૂ નાગજીભાઇ ટોયટા નોકરીએ જઈ રહ્યો હતો. આ દરમિયાન ન્યારી ડેમ રોડ પર નંબર વિનાની કારનાં ચાલકે યુવકના બાઇકને ઉલાળી 100 ફૂટથી વધુ દૂર સુધી ધસડયું હતું. જેને લઈને ગંભીર ઇજા થતાં મશરૂનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મશરૂ ફર્નિચરના શો-રૂમમાં નોકરી કરતો હોય સવારે ટિફિન લઈ નોકરીએ જતો હતો. ત્યારે જ આ દુર્ઘટના બની હોવાનું સામે આવ્યું છે.

જો કે બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં વીરડા વાજડીના ગ્રામજનો અને આગેવાનો પહોંચી ગયા હતાં. અને અકસ્માત સર્જનાર કારમાં બેઠેલા તેમજ ન્યારી ડેમ તરફથી આવતા ત્રણ યુવાનોને રોકી રાખ્યા હતા. અને બાદમાં પોલીસ આવતા જ ત્રણેયનો કબ્જો પોલીસને સોંપ્યો હતો. જેને પગલે તાલુકા પોલીસ દ્વારા ત્રણેયનો કબ્જો લઈ કાર કોણ ચલાવતું હતું સહિતના મુદ્દે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ, મશરૂ 4 ભાઇ અને 2 બહેનમાં બીજા નંબરનો ભાઇ હતો. તેના પિતા રિક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે. અને મશરૂ શો રૂમમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. પરિવારનાં આધારસ્તંભ સમાન પુત્રનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud