• સ્માર્ટ સીટી રેંકીંગમાં સુરત પ્રથમક્રમે, અમદાવાદ ચોથા ક્રમે, વડોદરા 20મા ક્રમે અને રાજકોટ 46 ક્રમાંકે આવ્યું
  • રાજકોટમાં 2000 કરોડના વિકાસકામો માટે મંજૂરી મળી હતી
  • સ્માર્ટ સીટી પ્રોજેકટ પી.એમ.જી. ગ્રુપને સોંપી લઈ તેની ઉપર મોનિટરીંગ રાખવાના બદલે મનપાએ હવાલો પોતાની પાસે રાખ્યો
  • રાજકોટમાં સ્માર્ટ સીટીનો હવાલો સંભાળનાર ઈજનેર ભાવેશ જોશીએ રાજીનામું આપ્યું છે

Watchgujarat. રાષ્ટ્રીય સ્તરે વિવિધ શહેરોના સ્માર્ટ સીટી પ્રોજેકટમા રાજકોટના પ્રોજેકટને નબળી કામગીરીને કારણે પછડાટ સહન કરવી પડી છે. ગુજરાતના ચાર મુખ્ય મહાનગરોનો સ્માર્ટ સીટી પ્રોજેકટમા સમાવેશ થયો છે જેમા સુરત પ્રથમક્રમે , અમદાવાદ ચોથા ક્રમે અને વડોદરા 20મા ક્રમે રહયું છે.જયારે રાજકોટ 16 માં ક્રમેથી છેક 46 માં ક્રમે ધકેલાયું છે. નવી ગુણાંકન પદ્ધતિને કારણે ચાલુ પ્રોજેકટના પુરા ગુણ નહિ મળતા પીછેહઠ થઈ હોવાનું સામે આવ્યું છે. અગાઉ ચાલુ કામના ગુણ મળતા હતા જયારે હવે ચાલુ કામના નહિ પણ જે કામ પુરા થયા હોય તેને જ ગુણ આપવામા આવે છે. જેને કારણે રેન્કિંગમા રાજકોટ પાછળ ગયું છે.

રાજકોટના નવા વિસ્તારને આંતરમાળખાકિય સુવિધા સાથે વિકસાવીને લોકોને વસવાટ માટે પહોળા રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ, બાગ-બગીચા, વેસ્ટ વોટર માટે ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિતની સુવિધા આપવા માટે સ્માર્ટ સીટી પ્રોજેકટ હાથ ઉપર લેવાયો હતો. આ માટે 2000 કરોડના વિકાસકામો માટે મંજૂરી મળી હતી. મનપાએ સ્માર્ટ સીટી વિકસાવવા માટે શરૂઆતથી જ ભૂલોની પરંપરા ચાલુ રાખી હોવાથી કામો સમયસર આગળ ધપી શકયા નથી અને રેન્કિંગમા ટોપ 20 માં સ્થાન મેળવવાથી દૂર રહયું છે.

સ્માર્ટ સીટી પ્રોજેકટનાં સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સીટી પ્રોજેકટ પી.એમ.જી. ગ્રુપને સોંપી લઈ તેની ઉપર મોનિટરીંગ રાખવાના બદલે મનપાએ હવાલો પોતાની પાસે રાખ્યો હતો. ઉપરાંત નાના ટેન્ડર કરીને જુદી-જુદી એજન્સીને કામ આપવાના બદલે એક જ એજન્સીને મોટી રકમનું કોમ્બો કામ આપી દેવાતા બધા પ્રોજેકટ સમયસર શરૂ થઈ શકયા નથી. જેના કારણે રેન્કિંગ માટે જરૂરી કમ્પ્લીશન ઓફ પ્રોજેકટ ઓબ્ઝર્વેશનના માર્ક મળી શકયા નથી. અન્ય શહેરોમા બધા પ્રોજેકટની ગણના થઈ છે. જયારે રાજકોટમા 2000 કરોડ પૈકી 1100 કરોડના કામ જ આગળ ધપી શકયા હોવાથી તેની જ ગણના થઈ છે.

રાજકોટમાં સ્માર્ટ સીટીનો હવાલો સંભાળનાર ઈજનેર ભાવેશ જોશીએ રાજીનામું આપ્યુંછે. જે મંજૂર કરી દેવાયું હોવાથી સ્માર્ટ સીટી માટે હવે નવેસરથી હવાલો સોંપવામા આવશે. હવે મનપા પાસે 6 સીટી ઈજનેર છે. અને 4ની ભરતી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. હાલ જે ઈજનેરો છે તે પૈકી કોઈ એકને સ્માર્ટ સીટીનો હવાલો સુપ્રત કરવામાં આવે તેવી શક્યતા છે. જો કે ભાવેશ જોશીનાં કહેવા મુજબ, રાજકોટમા એકીસાથે મોટી રકમના કામો ચાલી રહ્યા છે. જે ઓગષ્ટ-2022 સુધીમાં પુરા થઈ જતા રાજકોટનું રેન્કિંગ ઝડપથી ઉંચકાશે. અને 2022માં રાજકોટનો સમાવેશ ટોપ-10 માં થવાની પૂરતી સંભાવના છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud