• શહેરમાં રાત કરફ્યુ હોવા છતાં તસ્કરો પણ બેફામ બની પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.
  • સાડીનાં શોરૂમમાં રૂ. 2.77 લાખની ચોરીની ઘટના સામે આવી
  • સાડીનાં શોરૂમમાં ચોરી અને ચિલઝડપ પ્રયાસની આ બંને ઘટનાઓ સીસીટીવીમાં કેદ થતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

WatchGujarat એકતરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજીતરફ શહેરમાં રાત કરફ્યુ હોવા છતાં તસ્કરો પણ બેફામ બની પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. જેમાં જુદી જુદી ઘટનાઓમાં સાડીનાં શોરૂમમાં રૂ. 2.77 લાખની ચોરીની ઘટના સામે આવી છે. એટલું જ નહીં વહેલી સવારે એક્ટિવા સવાર શખ્સે મહિલાનાં ગળામાંથી સોનાનાં ચેઈનની ચિલઝડપનો પ્રયાસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. સાડીનાં શોરૂમમાં ચોરી અને ચિલઝડપ પ્રયાસની આ બંને ઘટનાઓ સીસીટીવીમાં કેદ થતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રથમ બનાવની વાત કરીએ તો શહેરના ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલા શ્રીનાથ સાડી નામના શોરૂમમાં ગત રાત્રે ચોરીનો બનાવ બન્યો હતો. જેમાં સાડીના શો રૂમમા કેશ કાઉન્ટરમાં પડેલા રૂપિયા 2.61 લાખ તેમજ ભગવાનના મંદિરમાં ફાળા માટે મૂકેલા 16,000 જેટલા રૂપિયા મળીને કુલ રૂપિયા 2.77 લાખની ચોરી થઇ છે. પ્રાથમિક રીતે જાણવા મળતી વિગત મુજબ શોરૂમ નજીકનાં સીઝન સ્ટોરમા કામ કરતા ફેઝાનભાઈ કાદરી નામના શખ્સે આ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું છે. જો કે ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ થતા પોલીસે તેના આધારે તપાસ હાધ ધરી છે.

બીજીતરફ ગાંધીગ્રામ પાસેનાં લીંબુડીવાડી વિસ્તારમાં રસ્તા પરથી પસાર થતી મહિલાનાં ગળામાંથી સોનાનો ચેઇન ખેંચી લૂંટારાએ ઢસડવાનો પ્રયાસ કર્યો હતો.જો કે મહિલાએ બૂમાબૂ કરી મૂકતા જ સોનાનો ચેઇન તૂટી ગયો હતો. અને લૂંટાતા બચી ગયો છે. આસપાસમાંથી લોકો ઘરની બહાર નીકળે તે પહેલા લૂંટારો એક્ટિવા પર ફરાર થઇ ગયો હતો. આ ઘટના પણ CCTVમાં કેદ થઇ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, લૂંટારૂ દ્વારા ચિલઝડપનો પ્રયાસ કરવામાં આવે છે. પણ સફળતા નહીં મળતા લૂંટ કરવા આવેલો યુવક ભાગે છે. તેમજ મહિલા લૂંટારા પાછળ દોડી રહી છે. પણ આરોપી તો એક્ટિવમાં બેસીને ફરાર થઈ જાય છે.

લૂંટનો ભોગ બનનાર મહિલાનાં જણાવ્યા અનુસાર, તેઓ દરરોજ સાડા છ વાગ્યે મંદિરે જાય છું. આજે પણ તેણી લીંબુડીવાડી મેઇન રોડ પર પસાર થઇ રહી હતી. ત્યારે સ્કૂટર ઉભું રાખી એક શખ્સે તેમનું ગળુ દબાવી દેતા શ્વાસ રૂંધાઇ જવાને કારણે તેણી અવાચક થઈ હતી. જો કે શ્વાસ રૂંધાતો જોઈને તે શખ્સે ગળું ઢીલું મુકતા સોનાનો ચેઇન તૂટી ગયો હતો. સવારમાં રોડ પર કોઇ હતુ જ નહીં. તેમજ આસપાસમાં રહેલા શ્વાનો દોડતા આવી ભસવા લાગ્યા છતાં તે શખ્સને કોઈ ડર લાગ્યો નહોતો. પણ બાદમાં તેણીએ બુમાબુમ કરતા આરોપી નાસી છૂટયો હતો.

ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત પણ ગતરાત્રે શહેરના કોઠારીયા રોડ પર એકીસાથે સાત દુકાનોના તાળાઓ તૂટયાની ઘટના પણ સામે આવી છે. અને આ ઘટના પણ સીસીટીવીમાં કેદ થતા સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. અને અલગ-અલગ ટીમો બનાવી તસ્કરોને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે. ત્યારે આ તમામ ચોરીઓને અંજામ આપનાર ગેંગ એક જ છે કે શહેરમાં એક કરતા વધુ ગેંગ રાત્રી કરફ્યુનો લાભ લઈ ઘટનાઓને અંજામ આપી રહી છે. તે તો આરોપીઓ ઝડપાયા બાદ જ સામે આવશે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud