• બારીની ગ્રીલ તોડી બંગલામાં પ્રવેશ કરેલા તસ્કરોએ રોકડા રૂપિયા 15.27 લાખ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. 17.29 લાખની ચોરી કરી
  • મકાન વેંચીને આવેલા રૂ. 15 લાખ બેંકમાં મુકવાને બદલે ઘરમાં જ રાખીને તેઓ એમપી નીકળી ગયા અને ચોરી થઇ

WatchGujarat શહેરના નવા 150ફૂટ રિંગ રોડ પર આવેલ વર્ધમાનનગરનાં બંધ બંગ્લોમાં મોડીરાત્રે બુકાનીધારી બેલડી ત્રાટકી હતી. અને બારીની ગ્રીલ તોડી બંગલામાં પ્રવેશ કરી રોકડા રૂપિયા 15.27 લાખ અને 2 લાખ 2 હજારના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. 17.29 લાખની મતાની ચોરી કરી હતી. બંગ્લોનાં માલિક વૃદ્ધ નેચરોપેથી સેન્ટર ચલાવે છે. તેઓ પોતે કેન્સરગ્રસ્ત દર્દીઓની સારવાર માટે એમપી ગયા હતા. ત્યારે જ તસ્કરોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જો કે ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, વર્ધમાનનગર સોસા.માં V-88 બંગ્લોમાં રહેતા નિવૃત નરેન્દ્રકુમાર સીતારામભાઇ ગુપ્તા નામના વૃધ્ધે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, પોતે માધાપર ગામે નેચરોપેથી સેન્ટર ચલાવે છે. અને એમપી ખાતે કેન્સર જેવા જીવલેણ રોગોના દર્દીઓ વધારે હોય તેમજ અમદાવાદથી 7થી 8 બસો ભરાઈને દર્દીઓ સારવાર માટે આવતા હોય જેથી ત્યાં વધુ જરૂરિયાત હોવાથી પોતે નિ:શુલ્ક નિદાન કરવા ગયા હતા. આ પહેલા ગત 2 તારીખે તેનો દીકરો અને વહુ પણ એમપી રહેતા હોય તેઓ ત્યાં ગયા હતા.

બાદમાં 9 તારીખે પોતે રાજકોટ પરત આવી રહ્યા હતા ત્યારે પાડોશીઓએ તમારા ઘરની બારી તૂટેલી છે તેવું ફોન મારફતે જણાવી ચોરીની શંકા દર્શાવી હતી. અને ગઈકાલે રાજકોટ ઘરે પહોંચ્યા બાદ પોલીસને જાણ કરતા યુનિવર્સીટી પોલીસનો કાફલો દોડી ગયો હતો.

તપાસ કરતા તસ્કરોએ બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કરી નીચેના તથા ઉપરના રૂમના કબાટના તાળા તોડી તેમાંથી 2.2 લાખના સોના ચાંદીના દાગીના અને 15.27 લાખ રોકડા મળી કુલ રૂ. 17.29 લાખની મતાની ચોરી થયાનું જાણવા મળ્યું છે.

જોકે પોલીસે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરતા 9 તારીખે મોડ઼ી રાત્રે બે બુકાનીધારી તસ્કરો સોસાયટીમાં પ્રવેશ કરતા હોવાનું અને બંગલાની બારી તોડી ચોરી કરીને પરત જતા હોવાનું પણ કેદ થઇ ગયું છે. જેને પગલે પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે ચોરીનો ભેદ ઉકેલવા તજવીજ હાથ ધરી છે.

વૃદ્ધનાં કહેવા મુજબ આ સોસાયટીમાં તેઓ અઢી વર્ષથી રહે છે. પરંતુ આવો ચોરીનો બનાવ ક્યારેય બન્યો નથી. જેને લઈને મકાન વેંચીને આવેલા રૂ. 15 લાખ બેંકમાં મુકવાને બદલે ઘરમાં જ રાખીને તેઓ એમપી નીકળી ગયા હોવાનું પણ તેમણે કહ્યું હતું

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud