• મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે ગઈકાલે છેલ્લો દિવસ હતો.
  • શનિવારે માત્ર એક દિવસમાં 317 ફોર્મ ભરાઈને પરત આવ્યા હતા.
  • બીજીતરફ જિલ્લા પંચાયતની 36 સીટ માટે 200 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી છે.

WatchGujarat મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવા માટે ગઈકાલે છેલ્લો દિવસ હતો. જેમાં કુલ 635 ફોર્મ અને તેમાં 539 ઉમેદવાર હોવાનું ચૂંટણી અધિકારીએ જાહેર કર્યું છે. છેલ્લી સ્થિતિએ સૌથી વધુ ઉમેદવારોની સંખ્યા વોર્ડ નં.1માં છે. જેમાં 43 ફોર્મ ભરાયા છે અને સાથે 39 દાવેદાર છે, જ્યારે સૌથી ઓછા 24 દાવેદાર વોર્ડ નં.2માં નોંધાયા છે. શનિવારે માત્ર એક દિવસમાં 317 ફોર્મ ભરાઈને પરત આવ્યા હતા.

મનપાની ચૂંટણી માટેના ફોર્મ ભરી સ્વીકારવાની પ્રક્રિયા ગત તારીખ 1 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. જેમાં પ્રથમ બે દિવસ એકપણ ફોર્મ આવ્યું નહોતું. ત્યારબાદ ત્રીજી તારીખે 2 અને ચોથી તારીખે માત્ર 22 ફોર્મ જમા થયા હતા. દરમિયાન ભાજપ – કોંગ્રેસનાં ઉમેદવારો જાહેર થતા પાંચમી તારીખે 294 અને છઠ્ઠી તારીખે 317 ફોર્મ ભરાયા છે. સોમવારે તમામ ફોર્મની સ્ક્રૂટિની કરાશે અને તેમાંથી જે નિયમ મુજબ ભરાયેલા હશે તે ઉમેદવાર જ ચૂંટણી લડી શકશે. જ્યારે અમુક ફોર્મ રદ પણ થઈ શકે છે.

કોર્પોરેશનની આ ચૂંટણી અંતર્ગત નોંધાવેલી ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 9 ફેબ્રુઆરી છે. ગઈકાલે બપોરે 3 વાગ્યા સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી હતી. જેમાં ટિકિટને લઈને અનેક વિવાદ અને ઘમાસાણ પણ સર્જાયા હતા. તેમજ સૌથી વધુ ગડમથલ અને ટેન્શન કોંગ્રેસના ઉમેદવારોને રહ્યું હતું. કારણ કે, અમુક વોર્ડના નામ બપોરે 2 વાગ્યા સુધી જાહેર થયા નહોતા. જેને લઈને ઉમેદવારો ફોર્મ ભરી ચૂંટણી અધિકારીની ચેમ્બર બહાર ઊભા હતા. પરંતુ મેન્ડેટ ન હોવાથી કંઈપણ કરી શકયા નહોતા.

બીજીતરફ જિલ્લા પંચાયતની 36 સીટ માટે 200 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી છે. જેમાં ભાજપના 200 જ્યારે કોંગ્રેસમાંથી 50 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી છે. આગામી 11 ફેબ્રુઆરી બાદ આ ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud