• મૌર્ય વિઠલાણી અકસ્માતે સ્વીમીંગ પૂલના પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબવા લાગ્યો
  • 120ની ઝડપે આવતા કાર ચાલકે સાયકલને હડફેટે લેતા ચાલક ફંગોળાયો અને ગંભીર ઇજાને પગલે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું
  • બે અલગ અલગ કિસ્સાઓમાં લોકોએ જીવ ગુમાવ્યો

WatchGujarat. શહેરમાં અકસ્માતની વધુ બે ઘટનાઓ સામે આવી છે. જેમાં લોધીકાના દેવડા ગામ ખાતે એમરલ્ડ કલબના સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં 13 વર્ષીય તરૂણનું મોત નિપજ્યું છે. બીજીતરફ BRTS ટ્રેકમાં સાયકલ લઈને જતા વેપારીને પુરપાટ વેગે આવતી કારે હડફેટે લેતા તેમનું પણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે બંને પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. અને પોલીસે આ બંને ઘટનાઓ અંગેની વધુ તપાસ શરૂ કરી છે.

પ્રથમ બનાવની વાત કરીએ તો રાજકોટમાં 150 ફુટ રીંગરોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ રહેતાં મોર્ય નિકેશભાઈ વિઠલાણી નામનો 13 વર્ષનો તરૂણ પોતાના પરિવાર સાથે લોધીકા તાલુકાના દેવડા ગામે કાલાવડ રોડ પર આવેલ એમરલ્ડ કલબમાં ફરવા ગયો હતો. દરમિયાન સાંજના છએક વાગ્યાના અરસામાં મૌર્ય સ્વીમીંગ પૂલમાં બે મિત્રો સાથે ન્હાવા પડ્યો હતો. તે દરમિયાન મૌર્ય વિઠલાણી અકસ્માતે સ્વીમીંગ પૂલના પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબવા લાગ્યો હતો.

જોકે તરત જ મૌર્યને બહાર કાઢવામાં આવ્યો હતો. પણ વધુ પડતું પાણી પી જતાં બેભાન થઈ ગયો હતો. અને તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતાં પરિવારમાં અરેરાટી સાથે કાળો કલ્પાંત સર્જાયો છે. પ્રાથમિક પૂછતાછમાં મૃતક મૌર્યના પિતા જયરાજભાઇ વિઠ્ઠલાણી વે-બ્રિજનું કામ કરે છે. મૃતક મૌર્ય તેના માતા-પિતાનો એકનો એક લાડકવાયો પુત્ર હતો.

ગઇકાલે રવિવારની રજા માણવા માટે જયરાજભાઇ વિઠ્ઠલાણી તેના મિત્ર ચંદ્રેશભાઇ તન્નાના પરિવાર સાથે એમરલ્ડ કલબમાં ગયા હતા. જ્યાં મૌર્ય વિઠ્ઠલાણી બે બાળ મિત્રો સાથે સ્વિમિંગ પુલમાં ટયુબના સહારે ન્હાવાની મજામાણી રહ્યો હતો. ત્યારે અચાનક ટ્યૂબ બહાર નિકળી જતા ડુબી ગયો હતો. આ બનાવ અંગે લોધિકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

BRTS ટ્રેકમાં સાયકલિંગ કરી રહેલા ઉધોગપતિનું કાર હડફેટે મોત

બીજા બનાવમાં રાજ કુલિંગ સિસ્ટમના માલિક અને ઉધોગપતિ વિજયભાઈ સોરઠીયા સ્ટર્લિંગ હોસ્પિટલ નજીક બીઆરટીએસની બાજુમાં વહેલી સવારે સાયકલિંગ કરી રહ્યા હતાં. આ દરમિયાન 120ની ઝડપે આવતા કાર ચાલકે તેને હડફેટે લેતા તેઓ ફંગોળાયા હતા. અને ગંભીર ઇજાને પગલે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જો કે અકસ્માત સર્જીને અજાણ્યો કાર ચાલક ફરાર થઈ ગયો હતો. જેને પગલે પોલીસે વિજયભાઈનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud