• કોરોનાના પગલે રાજ્યભરમાં શાળાઓ બંધ છે અને બાળકો ઓનલાઈનથી કંટાળ્યા છે
  • શિક્ષકો અને શિક્ષીકાઓ મ્યુનિ.સ્કૂલોના બાળકો કે જેઓ મોટાભાગે ગરીબ,પછાત વિસ્તારમાં રહેતા હોય છે તેમના ઘરે જઈને પાંચ-દસ-પંદરના ગ્રુપ બનાવીને રૂબરૂ અભ્યાસ કાર્ય શરૂ કરાવ્યું
  • શિક્ષણકાર્ય સાથે તેમનું તાદાત્મ્ય જળવાઈ રહે તે હેતુથી અમે ”શેરી શિક્ષણ” શરૂ કર્યું – શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત

WatchGujarat. કોરોનાનાં સંક્રમણને લઈને છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી શાળાઓ બંધ છે. અને ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. પરંતુ પછાત વર્ગના બાળકો તેની પાસે મોબાઈલ અને ઈન્ટરનેટની સગવડ નહીં હોવાથી ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી. જેને લઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આવા ગરીબ અને પછાત વર્ગના બાળકો માટે ‘શેરી શિક્ષણ’ નામે નવતર અભિયાન શરૂ કરાયું છે. જેમાં સરકારી શાળાના શિક્ષકો શેરી-ગલીએ રૂબરૂ જઈ આવા બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. વાલીઓ પણ શિક્ષણ સમિતિનાં આ અભિયાનની પ્રશંસા કરી રહ્યા છે.

હાલ કોરોનાના પગલે રાજ્યભરમાં શાળાઓ બંધ છે અને બાળકો ઓનલાઈનથી કંટાળ્યા છે. ત્યારે રાજકોટ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એક ઉમદા રસ્તો શોધીને તેનો અમલ શરૂ કર્યો છે. સ્કૂલો તો બંધ છે પરંતુ, શિક્ષકો અને શિક્ષીકાઓ મ્યુનિ.સ્કૂલોના બાળકો કે જેઓ મોટાભાગે ગરીબ,પછાત વિસ્તારમાં રહેતા હોય છે તેમના ઘરે જઈને પાંચ-દસ-પંદરના ગ્રુપ બનાવીને રૂબરૂ અભ્યાસ કાર્ય શરૂ કરાવ્યું છે.

આ અંગે શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે કહ્યું હતું કે ઓનલાઈન શિક્ષણ કેટલાક કારણોથી પ્રાથમિક શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં સ્વીકૃત થતું નથી. એમાંય સરકારી શાળામાં ભણતા બાળકો માટે ઓનલાઈન ભણવું ભારે મૂશ્કેલ છે. આવા સમયમાં અમે સ્કૂલો તો ખોલી શકીએ નહીં પણ બાળકો કે જેઓ મોટાભાગે ગરીબ કે નિમ્ન મધ્યમવર્ગથી આવતા હોય છે તેઓ શિક્ષણથી વંચિત ન રહે , શિક્ષણકાર્ય સાથે તેમનું તાદાત્મ્ય જળવાઈ રહે તે હેતુથી અમે ”શેરી શિક્ષણ” શરૂ કર્યું છે. જેમાં સરકારી શાળાના શિક્ષકો જે તે બાળકોના રહેણાંક વિસ્તારમાં જ જાય છે. ત્યાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે બાળકોનું નાનકડું જુથ બનાવાય છે અને ખુલ્લી શેરીમાં શેતરંજી પાથરીને કે ઘરમાં ખાટલે  બેસીને, ફળિયામાં બેસીને બાળકોને ભણાવવામાં આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ખાનગી સ્કૂલો અને કોલેજો કોરોના કાળમાં બંધ છતાં ઉંચી ફી વસુલતા હોવાને લીધે હવે વાલીઓ પણ બાળકોને સરકારી પ્રાથમિક શાળામાં મોકલતા થયા છે. ચેરમેનનાં કહેવા અનુસાર, આ વર્ષે ધો.2થી 8માં ખાનગી સ્કૂલો છોડીને લિવિંગ સર્ટિફિકેટ લઈને 3500 વિદ્યાર્થીઓ મનપાની સ્કૂલોમાં એડમીશન લીધું છે. અને સમિતિ દ્વારા ખાનગી સ્કૂલોને ટક્કર મારે તે માટે જરૂરી સુવિધાઓ પણ ઉભી કરાઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud