• માતા-પિતા જોતા રહ્યા અને ઓડી ચાલકે તેના દોઢ વર્ષનાં પુત્રને કચડી નાખતા આક્રંદ મચી ગયો
  • ઓડીનાં ચાલકે મોબાઇલ પર વાત કરતા કરતા બેફિકરાઇથી કાર ચલાવી

WatchGujarat. શહેરનાં ભક્તિનગર સર્કલ નજીક એક હૈયું હચમચાવતી ઘટના સામે આવી છે. જેમાં માતા-પિતા જોતા રહ્યા અને ઓડી ચાલકે તેના દોઢ વર્ષનાં પુત્રને કચડી નાખતા આક્રંદ મચી ગયો હતો. જો કે માતા પિતા આ કાર પાછળ દોડ્યા હતા. પરંતુ કાર ચાલક પુરપાટ ઝડપે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ દર્દનાક ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, માતા-પિતા શાકભાજી વેંચી રહ્યા હતા. ત્યારે એક ઓડી કાર ત્યાં ઉભી રહે છે. જેને લઈને બાળક રમતા-રમતા કાર પાસે પહોંચી જાય છે. દરમિયાન કારનો ચાલક અચાનક જ કાર હંકારે છે, અને માસુમ કારનાં તોતિંગ વજન હેઠળ કચડાઈ જાય છે. આ દ્રશ્યો જોતા જ માતા-પિતા બંને કારની પાછળ દોડે છે. પરંતુ કાર ચાલક મદદ કરવાને બદલે ત્યાંથી ફરાર થઈ જાય છે.

જાણવા મળતી વિગતો મુજબ ખોખડદળ નદીના પુલ પાસેની વેલનાથ સોસાયટીમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે શાકભાજીનો વેપાર કરતા રેંકડી ધારક જગદીશભાઇ સુરેલા પત્ની અને દોઢ વર્ષના પુત્ર વંશ સાથે રેંકડીએ હતા. માતા-પિતા ધંધામાં વ્યસ્ત હતા ત્યારે પુત્ર વંશ રેંકડી નજીક રમતો હતો. દરમિયાન અચાનક તે નજીકમાં ઉભેલી ઓડી કાર પાસે પહોંચી ગયો હતો. અને ઓડીનાં ચાલકે મોબાઇલ પર વાત કરતા કરતા બેફિકરાઇથી કાર ચલાવીને વંશને કચડી નાખ્યો હતો.

ઘટનાને પગલે આસપાસમાંથી લોકો એકત્ર થઈ કાર પાછળ દોડ્યા હતા. પરંતુ કાર ચાલક પૂરપાટ ઝડપે નીકળી ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા પુત્ર વંશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ ત્યાં ટૂંકી સારવાર દરમિયાન માસુમનું મોત થતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ અંગેની જાણ થતા ભક્તિનગર પોલીસ દોડી ગઈ હતી. ભક્તિનગર પોલીસે ઓડી ચાલક યશ બગડાઈની અટકાયત કરી હતી અને યશનું લાઇસન્સ રદ્દ કરવા રીપોર્ટ  કર્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud