• કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નામ લીધા વિના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા
  • પાર્ટીએ ટિકિટ આપવામાં ચૂક કરી એટલે ભાજપને કેટલીક બેઠકો બિનહરીફ મળી – હાર્દિક પટેલ 
  • ‘આપ’ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર કરીને રેલી પણ કરે છે.
WatchGujarat. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને હાલ પ્રચાર અંતિમ તબક્કામાં છે. ત્યારે ભાજપ-કોંગ્રેસે પણ સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતર્યા છે. જે અંતર્ગત આજે ભાજપનાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તેમજ કોંગ્રેસનાં કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ હાર્દિક પટેલ રાજકોટ આવી પહોંચ્યા છે. સ્મૃતિ ઈરાનીનાં આગમન પહેલા ભાજપ દ્વારા એક ભવ્ય રોડ શો યોજાયો હતો. અને બાદમાં સ્મૃતિ ઈરાનીએ એક જાહેરસભા સંબોધી હતી. આ તકે ઈરાનીએ નામ લીધા વિના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. અને જણાવ્યું હતું કે, મોદી પ્રત્યેની નફરત એટલી વધી ગઈ છે કે જે કોંગ્રેસ ચાયવાળાથી નારાજ હતી તે હવે ગુજરાતીઓની ‘ચા’થી નારાજ છે. તો બીજીતરફ હાર્દિક પટેલે કહ્યું હતું કે, વર્ષ 2015માં એક સમાજ ભજપથી નારાજ હતો હવે બધા સમાજ ભાજપથી નારાજ છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નામ લીધા વિના રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. અને જણાવ્યું હતું કે, ‘જીતે થે એક વક્ત જો અમેઠી સે સાલ 2019 મેં હાર ગયે’.. આ સજ્જન નરેન્દ્ર મોદીને હંમેશા નફરતની નજરોથી જુએ છે. અને મોદી પ્રત્યે નફરત એટલી વધી ગઈ કે જે કોંગ્રેસ પાર્ટી ચાયવાળાથી નારાજ હતી તે હવે તમામ ગુજરાતીની ‘ચા’થી પણ નારાજ છે.
વધુમાં તેમણે કહ્યું હતું કે, જેના જમાઈ જમીન ઝડપી લે તેના હાથ ખિસ્સામાં નો હોય તો ક્યાં હોય ? કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારેય ગુજરાતનું ખૂબ અપમાન કર્યું હતું. ડગલે ને પગલે ગુજરાત સાથે ખોટું કરવામાં આવતું હતું. આ અંગે આંકડા આપતા તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસનાં સમયમાં ગુજરાતને માત્ર રૂ. 6700 કરોડ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી. જ્યારે 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બન્યા બાદ ગુજરાતને વિકાસ માટે પ્રતિવર્ષ 25000 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ રહી છે.
બીજીતરફ કોંગ્રેસનાં હાર્દિક પટેલે મોરબી રોડ ઉપરનાં સેટેલાઇટ ચોકમાં જંગી સભા સંબોધી હતી. જોકે આ પહેલા હાર્દિકે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, રાજકોટમાં આ વખતે કોંગ્રેસ 45 સીટ પર વિજય નોંધાવશે. કારણ કે પહેલા વર્ષ 2015ની ચૂંટણીમાં માત્ર પાટીદાર સમાજ ભાજપથી નારાજ હતો. પરંતુ ચૂંટણીમાં તો બધા જ સમાજ ભાજપથી નારાજ છે.
ભાજપની બેઠકો બિનહરીફ થવા અંગે હાર્દિકે કહ્યું હતું કે, પાર્ટીએ ટિકિટ આપવામાં ચૂક કરી એટલે ભાજપને કેટલીક બેઠકો બિનહરીફ મળી છે. પણ કોંગ્રેસ હંમેશા એવા જ ઉમેદવારોને ટિકિટ આપે છે જે લોકો માટે કામ કરવા માગતા હોય અને પદને લાયક હોય. તો ‘આપ’ અંગે હાર્દિકે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી મેદાનમાં જ નથી. કોંગ્રેસને બેનર મારવામાં પણ મંજૂરી મળતી નથી પણ આપને મળે છે. એનો મતલબ તમે સમજી શકો છો. ‘આપ’ મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર કરીને રેલી પણ કરે છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud