- અધિકારીઓ પર જ કોઈપણ ભોગે કોંગ્રેસનાં ઉમેદવારોના ફોર્મ રદ કરવાનું દબાણ હતું – ઇન્દ્રનિલ રાજગુરૂ, કોંગ્રેસ નેતા
- કોંગ્રેસમાં સંકલનનો જ અભાવ છે, તેમાં ભાજપ શું કરે ! – ઉદય કાનગડ, બીજેપી નેતા
- વોર્ડ નંબર – નં.16ના કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટમાં બે સહી હોવાથી ફોર્મ રદ કરવાની ભાજપે ઉઠાવેલી માંગ હજુ પેન્ડિંગ
WatchGujarat. મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જેમાં વોર્ડ નં.1ના ભરતભાઇ શિયાળ અને વોર્ડ નં.4ના નારણભાઇ સવસેતાનું ફોર્મ રદ કરાયું છે. નારણભાઇ સવસેતાને 3 પુત્ર હોવાને કારણે તેમનું ફોર્મ રદ થયું છે. જ્યારે ભરતભાઈ શિયાળને મેન્ડેટ જ મળતા તેનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. હવે વોર્ડ નં.4 માં નારણભાઇ સવસેતાની જગ્યાએ ડમી ઉમેદવાર તરીકે રામભાઇ ઝીલરીયા ચૂંટણી લડશે. જો કે ફોર્મ રદ્દ થવા મુદ્દે કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ અધિકારીઓ ભાજપનાં ઈશારે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. જેના જવાબમાં કાનગડે કોંગ્રેસમાં સંકલનનો અભાવ હોવાનો વળતો પ્રહાર કરતા રાજકારણ ગરમાયું છે.
ફોર્મ રદ્દ થયા બાદ વોર્ડ નં. 4ના કોંગ્રેસના ઉમેદવાર નારણભાઇ સવસેતાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મારે 3 સંતાન હોવાથી ફોર્મ રદ થયું છે. પરંતુ અમારા ડમી ઉમેદવાર રામભાઇ આહીરનું ફોર્મ માન્ય રહ્યું છે. અમે પુરા જોશથી ચૂંટણી લડીશું. એટલું જ નહીં વોર્ડ નં.4માં કોંગ્રેસના જ ચારેય ઉમેદવારોનાં વિજયનો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. જો કે વોર્ડ નં.1ના ભરતભાઇ શિયાળે આ મામલે કંઈ કહેવાનો ઇન્કાર કર્યો હતો.
બીજીતરફ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા ઈન્દ્રનીલે સમગ્ર મામલે ભાજપ પર પ્રહાર કર્યા હતા. અને જણાવ્યું હતું કે, અધિકારીઓ પર જ કોઈપણ ભોગે કોંગ્રેસનાં ઉમેદવારોના ફોર્મ રદ કરવાનું દબાણ હતું. જેને કારણે અધિકારીઓએ છેલ્લી છેલ્લી ઘડીએ ફોર્મ સ્વીકાર્યા નહોતા. જો કે ઈન્દ્રનીલનાં આક્ષેપને ભાજપનાં નેતા ઉદય કાનગડે ફગાવ્યો હતો. અને કહ્યું હતું કે, કોંગ્રેસમાં સંકલનનો જ અભાવ છે, તેમાં ભાજપ શું કરે! ભરત શિયાળને કોંગ્રેસે મેન્ડેડ જ નથી આપ્યું. જેને કારણે જ તેનું ફોર્મ રિજેક્ટ થયું છે. ત્યારે હવે ભાજપ પર આરોપ મૂકીને કોંગ્રેસ ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કરે છે.
ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત વોર્ડ નં.10માં ભાજપે મેન્ડેટમાં એકથી વધુ સહી હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. ચૂંટણી અધિકારીએ સુનાવણી કરી આ મુદ્દાને ગ્રાહ્ય ન રાખતા કોંગ્રેસના મનસુખ કાલરીયા, અભિષેક તાળા, જયશ્રીબેન મહેતા સહિત ચારેય ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. જ્યારે વોર્ડ નં.16ના કોંગ્રેસના ઉમેદવારો ગાયત્રીબેન ભટ્ટ, રસિલાબેન ગેરૈયા, વલ્લભભાઈ પરસાણા, બાબુભાઇ ઠેબાના મેન્ડેટમાં બે સહી હોવાથી ફોર્મ રદ કરવાની ભાજપે ઉઠાવેલી માંગ હજુ પેન્ડિંગ રાખવામાં આવી છે. આ અંગે બપોર બાદ નિર્ણય જાહેર કરાશે.