• રાજકોટ જિલ્લાના જેતલસર ગામની વતની સૃષ્ટિ રૈયાણીની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.
  • પાટીલે મૃતક સગીરાનાં પરિવાર સાથે વાતચીત કરી અને તેમની માંગ જાણવાનો પ્રયાસ કર્યો
  • ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ખાસ વકીલ નિમવામાં આવશે – સી. આર. પાટીલ

WatchGujarat. જેતપુરનાં જેતલસરમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ 16 વર્ષીય સૃષ્ટિ રૈયાણીને આડેધડ છરીનાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી હતી. આજરોજ રૈયાણી સમાજની વાડી ખાતે સૃષ્ટિનું બેસણું રાખવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પ્રદેશનાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોઘરા, કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડીયા, લેઉવા પાટીદાર સમાજના અગ્રણી તેમજ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરા સહિતનાં અનેક દિગ્ગજો પહોંચ્યા હતા. અને મૃતકનાં પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આ તકે પાટીલે કહ્યું હતું કે, ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ખાસ વકીલ નિમવામાં આવશે. તેમજ સમાજમાં દાખલો બેસે તેવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

પાટીલે મૃતક સગીરાનાં પરિવાર સાથે વાતચીત કરી હતી. અને તેમની માંગ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ તકે સૃષ્ટિના પિતાએ જ સાત મુદ્દાઓ સાથેનું એક આવેદનપત્ર પાટીલને આપ્યું હતું. જેમાં આરોપીની મદદ કરનાર તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી. તો આ તકે સૃષ્ટિનો ભાઈ હર્ષ કે જે પોતે બનાવ સમયે હાજર હતો. તેણે સમગ્ર ઘટનાક્રમ વર્ણવ્યો હતો. અને આરોપીને ફાંસીની સજા આપવા માંગ કરી હતી.

આ તકે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના ખરેખર નિંદનીય છે. આરોપીઓને જલ્દીથી સજા મળે તે માટે સરકારે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવાનું નક્કી કર્યું છે. તેમજ સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણુંક પણ કરવામાં આવનાર છે. આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ સમાજની અંદર એક દાખલો બેસે તે પ્રકારની કાર્યવાહી આ અંગે કરવામાં આવનાર હોવાની ખાતરી પણ તેમણે આપી છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના જેતલસર ગામની વતની સૃષ્ટિ રૈયાણીની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધવામાં આવતા જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા તાત્કાલિક અસરથી આરોપીને ઝડપી પાડવા આદેશ આપવામાં આવ્યા હતા. અને તાત્કાલિક અસરથી આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવ્યો હતો. હાલ આરોપી પોલીસ રિમાન્ડ પર છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud