• લોકો પાસેથી મસમોટા દંડ વસુલનાર સત્તાધીશો ભાજપનાં કાર્યક્રમોમાં મુક પ્રેક્ષક બનતા હોવાની વાત અનેકવાર સામે આવી ચૂકી છે
  • ભાજપની બાઈક રેલીમાં સરેઆમ કોરોનાનાં નિયમોનાં ભંગ છતાં તંત્ર ચૂપચાપ રહ્યું
  • કોર્પોરેશનનાં ડે. કમિશ્નરે સ્વચ્છતાનાં નિયમોનું પાલન નહીં કરવા બદલ નાના વેપારીઓ સામે દંડો ઉગામ્યો હતો

WatchGujarat. કોરોના કાળમાં ઘણા લાંબા સમયથી લોકો પાસેથી મસમોટા દંડ વસુલનાર સત્તાધીશો ભાજપનાં કાર્યક્રમોમાં મુક પ્રેક્ષક બનતા હોવાની વાત અનેકવાર સામે આવી ચૂકી છે. ત્યારે આજે આવી જ એક વધુ વાત સામે આવી છે. જેમાં ભાજપની બાઈક રેલીમાં સરેઆમ કોરોનાનાં નિયમોનાં ભંગ છતાં તંત્ર ચૂપચાપ રહ્યું હતું. પરંતુ આ સાથે જ કોર્પોરેશનનાં ડે. કમિશ્નરે સ્વચ્છતાનાં નિયમોનું પાલન નહીં કરવા બદલ નાના વેપારીઓ સામે દંડો ઉગામ્યો હતો.

રાજકોટમાં આજે કાયદાના બે સ્વરૂપ જોવા મળ્યા છે. જેમાં કોર્પોરેશનની આગામી ચુંટણીઓ પૂર્વે મતદારોની ઉપર પ્રભાવ પાડવા સતાધારી ભાજપના યુવા મોરચા દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે મોટી બાઈકરેલી યોજવામાં આવી હતી. રેલીમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોના લીરે લીરા ઉડ્યા હતા. તેમ છતાં કાયદાના રખેવાળોને મુક પ્રેક્ષક બનીને તમાશો જોયા કરવાનું યોગ્ય લાગ્યું હતું. અને કાયદાનાં લીરા ઉડાવતી યુવા ભાજપની બિન્દાસ્ત બાઈક રેલી યોજાઈ હતી.

બીજીતરફ કોર્પોરેશનનાં ડે. કમિશ્નરને આજે અચાનક શહેરમાં સ્વચ્છતા રાખવાનું યાદ આવ્યું હતું. અને તેઓ હોકી હાથમાં રાખીને મોટા કાફલા સાથે સિંઘમની જેમ નીકળી પડ્યા હતા. એટલું જ નહીં ફુટપાથ ઉપર ધંધો કરી પેટીયુ રળવા માટે સંઘર્ષ કરતા ગરીબો તેમજ નાના વેપારીઓ સામે કાયદાનો રોફ જમાવ્યો હતો. સાથે જ ડે. કમિશનર એ.કે.સિંહ હાથમાં હોકી લઈને કાયદાનાં પાલન માટે લોકોને ધમકાવ્યા પણ હતા. અને ઘણાને દંડ પણ ફટકારી બહાદુરીનું પ્રદર્શન કર્યું હતું.

આ બંને પ્રસંગો એક જ દિવસે બનતા ડેપ્યુટી કમિશ્નર એ.કે.સિંહને કદાચ યુવા ભાજપની રેલી દેખાઈ નહીં હોય અથવા તો સતાધારી પક્ષની રેલી સામે કાયદાનો ‘ડંડો’ ઉગામવાની હિંમત દાખવી શકયા નહીં હોય !ની ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેકવાર ભાજપનાં જ નેતાઓ દ્વારા શહેરમાં કોરોનાનાં નિયમોનો સરેઆમ ભંગ કરાયો હોવા છતાં દંડ તો દૂર ક્યારેય ગુનો પણ નોંધાયો નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud