• રાજકોટના આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં લોઠડા ગામ અને રણુજાનગર સોસાયટીમાં બે બોગસ તબીબ લોકોની સારવાર કરી રહ્યા હોવાની માહિતી પોલીસને મળી
  • પોલીસે દરોડો પાડતા ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને ડોક્ટરના સ્વાંગમાં એક શખસ બેઠેલો જોવા મળ્યો
  • પોલીસે અલગ અલગ  વિસ્તારોમાં કરેલી કાર્યવાહીમાં બે બોગસ તબિબોને મુદ્દામાલ સાથે ઝડપ્યા

WatchGujarat. કોરોના કાળ દરમિયાન શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ નકલી ડોક્ટર્સનો રાફડો ફાટી નિકળ્યો છે. ત્યારે આજી ડેમ પોલીસના સ્ટાફે લોઠડા ગામ અને રણુજાનગર સોસાયટીમાં દરોડા પાડીને વધુ બે નકલી ડોક્ટરને ઝડપી લીધા છે. પકડાયેલા આ બન્ને ડોક્ટર ધોરણ-12 પાસ છે. એટલું જ નહીં આ પૈકી એક તો એકાદ વર્ષ પહેલાં પણ પકડાયો હોવાનું ખુલ્યું છે. હાલ પોલીસે બન્ને નકલી ડોક્ટરના ક્લિનિકમાંથી ઇન્જેક્શન, એલોપથી દવા સહિત રૂ. 41,769 નો મુદ્દામાલ કબજે કર્યો છે. અને બંને સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં લોઠડા ગામ અને રણુજાનગર સોસાયટીમાં બે બોગસ તબીબ કોઇ પ્રકારની ડીગ્રી નહીં હોવા છતાં દવાખાના ખોલીને દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા હોવાની માહિતી મળી હતી. જેને પગલે પોલીસે લોઠડા ગામે કોટડાસાંગાણી રોડ પર ઓમ કલિનિકમાં દરોડો પાડ્યો હતો. આ દરમિયાન ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને ડોક્ટરના સ્વાંગમાં એક શખસ બેઠો હતો. પૂછપછર કરતા એ શખસે પોતાની ઓળળ ડોક્ટર અનીષ અસરફભાઇ લીંગડીયા તરીકે આપી હતી. જો કે પોલીસે ડિગ્રી રજૂ કરવાનું કહેતા નક્લી ડોક્ટર ધ્રુજી ઉઠ્યો હતો. અને પોતે માત્ર ધોરણ 12 કોમર્સ સુધી અભ્યાસ કર્યો હોવાનું કબૂલ્યું હતું.

બીજીતરફ આજીડેમ પોલીસે રણુજાનગર સોસયટીના છેવાડે બ્રહ્માણી હોલ નજીક નામ વગરના ક્લીનિકમાં દરોડો પાડ્યો હતો. દવાખાનામાં ગળામાં સ્ટેથોસ્કોપ લટકાવીને દર્દીઓને તપાસ રહેલા સંજય ભાનુશંકર દવે પાસે પણ મેડિકલ પ્રેક્ટિસ માટેની તેની ડીગ્રી માગવામાં આવી હતી. પરંતુ ડોક્ટર તરીકે ઓળખાતા સંજય દવેએ પોતે માત્ર 12 ધોરણ સુધી અભ્યાસ કર્યાની અને ડીગ્રી વિના દવાખાનું ખોલીને દર્દીઓની સારવાર કરતા હોવાની કબૂલાત આપી હતી.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

હાલ પોલીસે બંને સ્થળોએથી સ્ટેથોસ્કોપ, ઇન્જેકશન, વિવિધ પ્રકારની એલોપથી દવાનો જથ્થો, બ્લડ પ્રેશર માપવા સહિતનાં મેડિકલ સાધનો કબ્જે લીધા છે. અને આ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે પોલીસની પ્રાથમિક તપાસમાં નકલી ડો. અનીષ અસરફભાઇ લીંગડીયા અગાઉ પણ ઝડપાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે મેડિકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ ગુનો દાખલ કરી નકલી તબીબો મોટી માત્રામાં દવાનો જથ્થો કઇ રીતે મેળવે છે ? એ અંગે પણ તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud