• ચાલુ મતદાને સાંજે 4 વાગ્યે 12 શખ્સ કાળા રંગની નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવ્યા
  • સમગ્ર ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયા બાદ મોડીરાત્રે 12 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
  • ઘટનાસ્થળે પોલીસનો અતિ ચુસ્ત બંદોબસ્ત તૈનાત હોવા છતાં કોઈએ આ 12 શખ્સોને અટકાવ્યા ન હતા

WatchGujarat. વોર્ડ નં.11માં શાળા નં.95નું મતદાન કેન્દ્ર સંવેદનશીલ મતદાન કેન્દ્રની યાદીમાં હતું. જેને લઈને અહીં અન્ય કેન્દ્ર કરતા વધુ પોલીસ બંદોબસ્ત તૈનાત હતો. જો કે આમ છતાં ચાલુ મતદાને સાંજે 4 વાગ્યે 12 શખ્સ કાળા રંગની નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવ્યા હતા. અને આ બુકાનીધારી શખ્સોએ કોઇપણ રોકટોક વગર બૂથમાં પહોંચી જતાની સાથે જ પોતાના ઇરાદા મુજબ પ્રિસાઇડિંગ ઓફિસરને ધક્કામુક્કી કરી હતી. એટલું જ નહીં ઇવીએમના વાયરો ખેંચી તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયા બાદ મોડીરાત્રે 12 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. જેને આધારે તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે.

તાલુકા પોલીસનાં પ્રિસાઇડિંગ ઓફિસર ચૈતન્યભાઇ કળશિયાએ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ, રવિવારે વોર્ડ નં.11ના શાળા નં.95માં આવેલા મતદાન મથકના બૂથ નં.2માં પોતે ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે સાંજે ચારેક વાગ્યે 10-12 બુકાનીધારી શખ્સો અચાનક બૂથમાં ઘૂસી ગયા હતા. અને બોગસ મતદાન કરાવો છો તેમ કહી ગાળો ભાંડીને ઇવીએમ તથા બે મતકુટીર તોડી નાખ્યા હતા. ત્યારબાદ અન્ય બે ઇવીએમના વાયર કાઢી નાખી 45 મિનિટ સુધી ધમાલ કરીને મતદાન અટકાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ઘટનાસ્થળે પોલીસનો અતિ ચુસ્ત બંદોબસ્ત તૈનાત હોવા છતાં કોઈએ આ 12 શખ્સોને અટકાવ્યા નહોતા. જો કે પોલીસની દલીલ છે કે તેઓ પૈકી કેટલાક મતદારોનાં સ્વાંગમાં અને અન્ય પાછળની દીવાલ કૂદીને ઘુસ્યા હતા. પરંતુ બુકાની બાંધી આવેલા શખ્સો મતદાર છે કે નહીં તેની ચકાસણી કરવાની તસ્દી પોલીસે શા માટે નહીં લીધી હોય ? ઘટનાને આખો દિ વીતી ગયા સુધી પણ ફરિયાદ શા માટે નોંધાઇ નહોતી ?

આ ઉપરાંત તોડફોડની જાણ થયા બાદ કલાકોમાં જ આરોપી ઝડપાઈ જવા જોઈએ તેને બદલે હજુસુધી ઓળખ પણ કેમ થઈ નથી ? મતના આંક જાહેર કરવા માટે ખાસ પત્રક બનાવાય છે. તેમાં કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે કે કેમ? હા કે ના? તેનો ઉત્તર આપવાનો હોય છે. ઈવીએમ તૂટ્યા તે વોર્ડ નં. 11માં આ ખાનામાં ‘ના’ ઉત્તર લખ્યું છે. આવી અનેક બાબતો છે કે, જેમાં જાણી જોઈને પોલીસ અને જવાબદારો દ્વારા ઢીલાશ રાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ પાછળ મોટું રાજકીય કાવતરું હોવાની પણ શક્યતા નકારી શકાય તેમ નથી. જો કે સાચી હકીકત તો પોલીસ તટસ્થ રીતે તપાસ પુરી કરે તો જ જાણી શકાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud