• ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારનાં 8 વાગ્યા સુધીમાં કોરોનાની સારવાર દરમિયાન વધુ 57 દર્દીઓના મોત નિપજ્યા
  • બીજીતરફ કોરોના સંક્રમણ વધતા માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવકમાં 50 ટકાનો ઘટાડો થયો
  • ટ્રાફિક ઘટતા ST નાં વધુ 80 રૂટ બંધ કરવામાં આવ્યા
  • પોલીસના બંદોબસ્ત સાથે ડોક્ટરો દર્દીઓને સારવાર આપી રહ્યાના દ્રશ્યો જોવા મળ્યા

WatchGuajrat. શહેરમાં આંશિક લોકડાઉન સહિતના અનેક પ્રયાસો છતાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. તો છેલ્લા 24 કલાકમાં જ વધુ 57 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. મોતની સંખ્યામાં થતા વધારાને કારણે કબ્રસ્તાનમાં મૃતકોને દફનાવવાની જગ્યા ખૂટી પડતા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ મુસ્લિમ સમાજે કરી છે. બીજીતરફ સિવિલ બહારની લાઈનો યથાવત છે. પણ કોઈ ગંભીર દર્દી સારવારથી વંચિત ન રહે તે માટે ડૉક્ટર્સની ટીમ દ્વારા આ લાઈનોમાં રહેલા દર્દીઓને તપાસવાનું શરૂ કરાયું છે. જોકે તેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ પણ સાથે રાખવામાં આવી છે.

તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ ગઈકાલે સવારે 8 વાગ્યાથી આજે સવારનાં 8 વાગ્યા સુધીમાં કોરોનાની સારવાર દરમિયાન વધુ 57 દર્દીઓના મોત નિપજ્યા છે. જોકે આ મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવાશે. કાલે થયેલા 66 પૈકી માત્ર 23 દર્દીઓનાં મોત કોરોનાને લઈ થયા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ આજે જાહેર કર્યું છે. બીજીતરફ કોરોના સંક્રમણ વધતા માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની આવકમાં 50 ટકાનો ઘટાડો થયો છે. તો ટ્રાફિક ઘટતા ST નાં વધુ 80 રૂટ બંધ કરવામાં આવ્યા છે.

બીજીતરફ મૃતકની સંખ્યામાં કૂદકેને ભૂસકે થતા વધારા ને કારણે હાલ શહેરનાં કબ્રસ્તાનોમાં જગ્યા ખૂટી પડી છે. અને નવા મૃતદેહોને ક્યાં દફનાવવા તે અંગે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. શહેરમાં અલગ-અલગ 9 જગ્યાએ કબ્રસ્તાનો આવેલા છે. પરંતુ હાલ મોટા ભાગના બધા કબ્રસ્તાનોમાં જગ્યા સાથે જરૂરી વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. કોરોનાથી થતા મોતમાં મૃતકના પરિવારે જાતે ખાડો ખોદવો પડી રહ્યો છે. જેને લઈને મુસ્લિમ આગેવાનો દ્વારા દફનવિધિ માટે જરૂરી સગવડ કરી આપવા તેમજ કબ્રસ્તાન માટે વૈકલ્પિક જગ્યાઓ ફાળવવાની માંગ મ્યુ. કમિશ્નર તેમજ કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે હાલ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે એમ્બ્યુલન્સની લાઈનો યથાવત છે. હાલ 108 એમ્બ્યુલન્સ, ખાનગી વાહનો, રીક્ષા સહિતનાં વાહનો કતારમાં જોવા મળી રહ્યા છે. જેમાં અંદાજે 80 જેટલા દર્દીઓ લાઈનમાં હોવાનું જાણવા મળ્યું છે. આ પૈકી કોઈ ગંભીર દર્દી સારવાર વિના ન રહી જાય તે માટે ખાસ ડૉક્ટર્સની ટીમો ત્યાં દોડી ગઈ છે. અને દર્દીઓને તપાસવામાં આવી રહ્યા છે. જો કે દર્દીઓનાં સગાઓ દ્વારા થતા હુમલાઓને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત પણ સાથે રખાયો છે. નોંધનીય છે કે ગઈકાલે પ્રથમવાર થોડા કલાકો માટે એમ્બ્યુલન્સની લાઈનો ઘટી હતી. પરંતુ બપોર બાદથી ફરી લાઈનો યથાવત છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud