• વિડીયોને લઈ તાત્કાલિક પોલીસ કમિશ્નર સાથે વાત કરી અને આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવા આવી – જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન
  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાર્યરત થનાર 400 બેડ પૈકી 100 આજથી શરૂ કરવામાં આવશે
  • સિવિલ હોસ્પિટલમાં કામનું ભારણ ઘટાડવા માટે સરકારી તંત્ર કટીબદ્ધ

WatchGujarat. સિવિલ કોવિડ હોસ્પિટલમાં ઓકસીજન બેડની ભારે અછત છે. દરમિયાન બહાર લાઇનમાં ઉભેલા ગંભીર દર્દીઓના સગાઓ પાસેથી રૂ. 9000 લઇ ઓકસીજન બેડ ફાળવવાનો વિડીયો વાયરલ થતા ખુદ કલેક્ટર પણ ચોંકી ઉઠયા છે. અને સમગ્ર મામલે ત્વરિત તપાસ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા છે. જેને પગલે ક્રાઈમ બ્રાન્ચે સમગ્ર મામલે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે થઈ ગંભીર દર્દીઓની એમ્બ્યુલન્સોની કતાર લાગી છે. ત્યારે આવા ગંભીર દર્દીઓના સગાઓને ઓકસીજન બેડ ફાળવવા માટે રૂ. 9000 લેવાતા હોવાનો વિડીયો સામે આવ્યો હતો. આ વિડીયોને લઈ તાત્કાલિક પોલીસ કમિશ્નર સાથે વાત કરી અને આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવા તથા આમા જે કોઇ સિવિલ હોસ્પિટલ સ્ટાફ કે અન્ય કોઇ લેભાગુ ઝડપાય તેની સામે કડક પગલા લેવાની સુચના આપવામાં આવી છે.

વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, શહેરમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને પહોંચી વળવા માટે ઠેર-ઠેર બેડ વધારવામાં આવી રહ્યા છે. હાલ હોસ્પિટલ પાસે એમ્બ્યુલન્સની લાઈનો થાય છે. પરંતુ ત્યાં ટેસ્ટ કરવા સહિતની ઇમરજન્સી સુવિધાઓ દર્દીને મળી રહે તેવી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આ સાથે IMA સાથે મળીને જિલ્લા કક્ષાએ વધુને વધુ સુવિધાઓ ઉપલબદ્ધ કરાવવા પ્રયાસો ચાલી રહ્યા છે. જેથી આ સિવિલ હોસ્પિટલનું ભારણ ઘટાડી શકાય. ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાર્યરત થનાર 400 બેડ પૈકી 100 આજથી શરૂ કરવા સહિતની જાણકારી પણ કલેક્ટરે આપી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud