• આરોપીઓએ હત્યા કર્યા બાદ પણ મૃતકને જુદી-જુદી હોસ્પિટલમાં ફેરવ્યો
  • મૃતકનાં અન્ય સગાની નજર પડતા તેઓ સિવિલમાં લાવ્યા
  • પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા

WatchGujarat. રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે શહેરમાં હત્યાની એક ઘટના સામે આવી છે. જેમાં કૌટુંબિક બેન બનેવીએ ભાઈને છરીનાં ઘા મારીને પતાવી દીધો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ હત્યા કર્યા બાદ પણ મૃતકને જુદી-જુદી હોસ્પિટલમાં ફેરવ્યો હતો. જો કે મૃતકનાં અન્ય સગાની નજર પડતા તેઓ સિવિલમાં લાવ્યા હતા. અને આરોપીઓનો ભાંડો ફૂટી ગયો છે. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ, શહેરનાં મોરબી રોડ પર 25 વારીયા ક્વાર્ટર ખાતે રહેતો ભાવેશ કાળુંભાઈ ચણિયારાની કૌટુંબિક બેન ટપુબેન અને બનેવી મહેશ સાથે રહેતો હતો. જો કે ભાવેશ લાંબા સમયથી બેકાર હોવાથી બેન-બનેવી પણ કંટાળી ગયા હતા. અને તેને ઘરમાં સુવાની પણ મનાઈ કરી હતી. જેને લઈ મૃતક જુદા-જુદા ઓટલાઓ તેમજ રિક્ષાઓમાં સુઈ રહેતો હતો.

આજે બપોરનાં સુમારે ભાવેશ ઘરમાં આવતા ઝઘડો થયો હતો. જેમાં આવેશમાં આવી ગયેલા બેન-બનેવી દ્વારા છરીનાં ઘા ઝીંકાતા ભાવેશ લોહીલુહાણ બન્યો હતો. જેને પગલે ગભરાઈ ગયેલા બેન-બનેવી જ તેને રિક્ષામાં નાખી જુદી-જુદી હોસ્પિટલમાં ફરવા લાગ્યા હતા. જો કે આ દરમિયાન મૃતકનાં બીજા બનેવી રવિને કશુંક શંકાસ્પદ જણાતા લોહીલુહાણ ભાવેશને સિવિલ ખાતે લાવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ ભાવેશને મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી.

બી-ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં ભાવેશની હત્યા તેના જ કૌટુંબિક બેન ટપુબેન અને બનેવી મહેશે કરી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે ગણતરીની કલાકોમાં બંનેને ઝડપી પાડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જો કે સમગ્ર ઘટનાને લઈને સંબંધો શર્મસાર થતા લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud