• ગાંધીનગર આરોગ્ય વિભાગનાં ઉપસચિવ દ્વારા પરિપત્ર જાહેર કરી ‘મુખ્યમંત્રી કોરોના વોરીયર્સ સન્માન યોજના’ જાહેર કરવામાં આવી હતી
  • યોજના હેઠળ માત્ર સરકારી હોસ્પિટલોનાં કોવીડ વિભાગમાં ફરજ બજાવતા ડોકટર, પેરામેડીકલ, લેબ ટેક્નિશિયન, સફાઈ કર્મચારીઓ સમાવાયા
  • યોજનાને 10 મહિના વીતી ગયા હોવા છતાં પીડિયું મેડિકલ કોલેજના વર્ગ-1 નાં 98 ડોક્ટરો અને વર્ગ 3-4 નાં 48 કર્મચારીઓને મહેનતાણું નહીં મળતા ભારે કચવાટ

WatchGujarat. ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોરોના વોરિયર્સ માટે ખાસ ‘મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ’ સન્માન યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. એટલું જ નહીં ગત 12 મેં 2020નાં રોજ પરિપત્ર બહાર પાડી રૂ.5,000 થી રૂ. 25,000 સુધીનું મહેનતાણું ચૂકવવાનો ઉલ્લેખ કર્યો હતો. આમ, છતાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન ફરજ બજાવનાર વર્ગ-1ના ડોકટરો, નર્સિંગ સ્ટાફ, લેબ ટેક્નિશિયન સહિત વર્ગ-4ના કર્મચારીઓને 10 મહિના બાદ પણ ‘મુખ્યમંત્રી કોરોના વોરિયર્સ સન્માન’ યોજના હેઠળ પ્રોત્સાહન સ્વરૂપે મળનાર મહેનતાણું હજુ મળ્યું નથી.

કોરોનાકાળમાં એકતરફ કર્મચારીઓની અછત હતી. અને બીજી તરફ તાત્કાલિક નવા કર્મચારીઓ મળવા મુશ્કેલ હતા. આવા કપરા સમયમાં એટલે કે ગત માર્ચ 2020માં કોરોનાની જંગમાં પોતાની કે પરિવારની પણ ચિંતા કર્યા વિના કર્મચારીઓએ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવી હતી. આવા કર્મચારીઓને પ્રોત્સાહન આપવા માટે ગાંધીનગર આરોગ્ય વિભાગનાં ઉપસચિવ દ્વારા પરિપત્ર જાહેર કરી ‘મુખ્યમંત્રી કોરોના વોરીયર્સ સન્માન યોજના’ જાહેર કરવામાં આવી હતી.

આ યોજના હેઠળ માત્ર સરકારી હોસ્પિટલોનાં કોવીડ વિભાગમાં ફરજ બજાવતા ડોકટર, પેરામેડીકલ, લેબ ટેક્નિશિયન, સફાઈ કર્મચારીઓ અને કોરોના સાથેની કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓને 30 દિવસથી વધુ કામ કરે તો વર્ગ-1 અને વર્ગ-2નાં ડોક્ટરોને રૂપિયા 25000, વર્ગ-3નાં કર્મચારીને રૂપિયા 15000 તેમજ આઉટસોર્સિંગમાં સેવા આપતા કર્મચારીઓને 5000 ચુકવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં કુલ 140 કોવિડ કેર સેન્ટર, 48 ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલોને ચૂકવવાનું પગાર ભથ્થું બજેટમાંથી પણ ઉધારવામાં આવી હતી.

જોકે આ સમગ્ર મામલે મેડિકલ કોલેજનાં ડીન મુકેશ સામાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની કોરોના વોરિયર્સ સન્માન યોજના હેઠળ સિવિલ હોસ્પિટલમાં કોવિડ બિલ્ડીંગમાં ફરજ બજાવનાર ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, લેબ ટેક્નિશિયન અને ફાર્માસિસ્ટ મળી 98 પૈકી 56 અધિકારીના બિલો બની ચુક્યા છે. તો 42 કોરોના વોરિયર્સનાં બિલો નોડલ ઓફિસર પાસે પેન્ડિંગ છે. જ્યારે વર્ગ 3 અને વર્ગ 4નાં સફાઈ કર્મચારી તેમજ આઉટસોર્સિંગ મળીને 48 કર્મચારીઓ પૈકી 17 નાં બિલો મુકાઈ ગયા છે. અને હવે 31 કર્મચારીઓનાં બિલો નોડલ ઓફિસર પાસે પેન્ડિંગ છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

ઉલ્લેખનીય છે કે, આ પ્રોત્સાહન યોજનાને 10 મહિના વીતી ગયા હોવા છતાં પીડિયું મેડિકલ કોલેજના વર્ગ-1 નાં 98 ડોક્ટરો અને વર્ગ 3-4 નાં 48 કર્મચારીઓને મહેનતાણું નહીં મળતા ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. તેમજ જો સમયસર આ સરકારી યોજનાની રકમ નહીં મળે તો ડોક્ટરો, લેબ ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ, લેબ આસિસ્ટન્ટ અને આઉટસોર્સિંગનાં કર્મચારીઓ પણ આંદોલન કરે તેવી શક્યતાને નકારી શકાય તેમ નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud