• પોલીસ કમિશ્નરની સૂચના-માર્ગદર્શન હેઠળ શહેરના 18 વોર્ડ માટે કુલ 4249 જવાનોનો બંદોબસ્ત તૈનાત કરાયો
  • CM રૂપાણી વોર્ડ નંબર 10માં રૈયા રોડની અનિલ જ્ઞાન મંદિર સ્કૂલમાં આવતી કાલે સાંજે મતદાન કરશે

WatchGujarat. મહાનગરપાલિકાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. ત્યારે શહેરમાં ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને ટીઆરબીના 4249 જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે. શહેરના 991 બુથ પૈકી સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ એવા 312 બુથ જાહેર કર્યા છે. જ્યાં વધુ સ્ટાફ તૈનાત રાખવામાં આવશે તેમજ 8 ચેકપોસ્ટ ઉપર અત્યાર સુધીમાં 68140 વાહનો ચેક કરવામાં આવ્યા છે જયારે 7490 લોકોને ચેક કરી 22 આરોપીઓને પાસા તળે જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આજે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, કલેક્ટર રેમ્યા મોહન અને અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ કેટલાક બુથ ઉપર રૂબરૂ મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી હતી.

મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે. હવે  પોલીસ કમિશ્નરની સૂચના-માર્ગદર્શન હેઠળ શહેરના 18 વોર્ડ માટે કુલ 4249 જવાનોનો બંદોબસ્ત તૈનાત કરાયો છે. જેમાં 1631 પોલીસ, એસઆરપીની 4 કંપની, 1418 હોમગાર્ડ અને 800 ટીઆરબી જવાનો પણ સામેલ છે. આચારસંહિતા લાગુ થયા બાદ એક મહિનામાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા અને પોલીસનાં ચોપડે નોંધાયેલા હોય તેવા 7490 ઈસમોને ચેક કરી 22 સામે પાસા વોરંટ ઇસ્યુ કરી જેલભેગા કરી દેવામાં આવ્યા છે. તો 85 તડ઼ીપાર સામે તથા દારૂના કેસમાં 1028 સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.

શહેરના કુલ 18 વોર્ડમાં 395 બિલ્ડિંગમાં 991 બુથ આવેલા છે જેમાં 4 અતિ સંવેદનશીલ બિલ્ડિંગમાં 19 અતિ સંવેદનશીલ બુથ અને 78 સંવેદનશીલ બિલ્ડિંગ હેઠળ 293 સંવેદનશીલ બુથ આવેલા છે. જ્યાં ખાસ સ્ટાફ તૈનાત રાખવામાં આવશે. આ ઉપરાંત મનપાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ યોજાય અને અનિચ્છનીય ઘટના ન ઘટે તેમજ મતદારો ભયમુક્ત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા રાજકોટમાં પરવાનાવાળા હથિયાર ધરાવતા 2806 પરવેનેદારો પાસેથી હથિયારો જમા લીધા છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ કમિશ્નર અને કલેક્ટરે મુખ્યમંત્રીના મતદાન મથકની મુલાકાત લઈ જરૂરી સૂચનો આપ્યા

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કદાચ હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેઓ ગાંધીનગર સ્થિત નિવાસ્થાને હોમ આઇસોલેટ થશે. તેમ છતાં એક મતનું મૂલ્ય સારી રીતે સમજતા સીએમ રૂપાણી નાદુરસ્ત તબિયત હોવા છતાં પીપીઈ કીટ પહેરી મતદાન કરવા રાજકોટ આવવાનો નિર્ણય કર્યો છે. તેઓ વોર્ડ નંબર 10માં રૈયા રોડની અનિલ જ્ઞાન મંદિર સ્કૂલમાં સાંજે મતદાન કરવા આવનાર હોય શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, કલેકટર રેમ્યા મોહન, ડીસીપી મનોહરસિંહ જાડેજા, અધિક કલેકટર પંડ્યા સહિતના અધિકારીઓએ આ મતદાન મથકની મુલાકાત લીધી હતી. અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા અંગે સમીક્ષા કરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud