• જમીન કૌભાંડ અંગે રાજકોટના વેજા ગામમાં રહેતા વિક્રમભાઈ ગોવિંદભાઈ ડાંગરે ફરિયાદ નોંધાવી
  • આરોપીઓએ વેચેલી આ જમીનના વધુ પૈસા પડાવવા માટે આરોપીઓ નરેશ હરી ભાશા અને દિનેશ પાતરે સાથે મળી જમીનનો બોગસ સાટાખત ઊભું કર્યું
  • ચુંટણી ટાણે ફરિયાદ નોંધાતા રાજકીયક્ષેત્રે પણ ગરમાવો આવ્યો

WatchGujarat. જિલ્લા પંચાયતની ચરખડી બેઠકનાં કોંગી ઉમેદવાર દિનેશ પાલાભાઈ પાતર સહિત ચાર વિરુદ્ધ એન્ટી લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગોંડલ પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. આ ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે બાકીના આરોપીઓની શોધખોળ જારી કરવામાં આવી રહી છે. બરાબર ચૂંટણી સમયે કોંગ્રેસનાં ઉમેદવાર સામે આ ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે.

સમગ્ર જમીન કૌભાંડ અંગે રાજકોટના વેજા ગામમાં રહેતા વિક્રમભાઈ ગોવિંદભાઈ ડાંગરે ફરિયાદ નોંધાવી છે. પોલીસના કહેવા મુજબ ફરિયાદી ઉપરાંત રઘુવીર ચુડાસમાએ પારડીમાં રહેતા આરોપીઓ કૌશિક જેરામ કોરાટ અને તેના ભાઈ હરેશ પાસેથી તેની માલિકીની ખેતીની 10 વીઘા જમીન 2019માં રજીસ્ટર કરેલા દસ્તાવેજથી ખરીદ કરી હતી. ત્યારબાદ ફરિયાદી અને સાહેદના નામ પણ 7/12માં ચડી ગયા હતા.

બાદમાં પોતે વેચેલી આ જમીનના વધુ પૈસા પડાવવા માટે આરોપીઓ નરેશ હરી ભાશા અને દિનેશ પાતરે સાથે મળી જમીનનો બોગસ સાટાખત ઊભું કર્યું હતું. અને આરોપીઓએ જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી હતી. એટલું જ નહીં ફરિયાદી તેમજ સાહેદને તેમની જમીન પર આવતા રોકવા માટે ધાક-ધમકી પણ આપવામાં આવી હતી. સાથોસાથ જમીનનો કબજો ખાલી કરવાના બદલામાં રૂપિયાની માગણી કરવામાં આવી હતી.

આ અંગે ગોંડલ સિટી પોલીસે વિક્રમભાઈ ગોવિંદભાઈ ડાંગરની ફરિયાદને આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 406, 420, 447, 384, 504, 120 (બી) અને ગુજરાત સરકારના જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) 2020 એટલે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કોરાટ બંધુઓની ધરપકડ કરી છે. જ્યારે ચરખડી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પાતર સહિતના બે આરોપીઓ ફરાર થઈ જતાં બંનેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud