• અર્જુન મોઢવાડિયાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને સરકાર પર આકરા પ્રહારો કર્યા
  • આ કોઈ ચૂંટણીનો નહીં પણ મહામારીનો સમય છે. ત્યારે ગરિમા ચુકી આક્ષેપ બાજીમાં ઉતરવું યોગ્ય નથી. – સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવ
  • મોઢવાડીયા સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા જ્યાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે દર્દીઓની સારવાર અંગે ચર્ચા કરી હતી

WatchGujarat.  શહેર સહિત રાજ્યમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણ મુદ્દે આજે પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયા રાજકોટ આવી પહોંચ્યા હતા. આ તકે નાગર બોર્ડિંગ ખાતે તેમણે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં મોઢવાડીયા બેફામ થયા હતા. અને ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. પાટીલ ધણખૂંટ (બળદ)ની માફક જ શિંગડા ભરાવતા હોવાનું કહીને વડાપ્રધાનને મોતના સોદાગર ગણાવ્યા હતા.

અર્જુન મોઢવાડિયાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને લઇને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓને મોતના સોદાગર કહ્યાં હતા. તેમજ વધુમાં જણાવ્યું હતું કે, WHOની ચેતવણી હોવા છતાં કોઇ પગલા લેવાયા નથી. કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. અને પાટીલ ધણખૂંટની જેમ શિંગડા ભરાવે છે. અને દવા કંપનીઓ પોતાના બાપની હોય તેવું વર્તન કરે છે, જે જરાપણ યોગ્ય નથી.

વધુમાં તેમણે કહ્યું હતું કે, સરકાર ખોટા આંકડા જાહેર કરે છે. રાજકોટમાં સિવિલ હોસ્પિટમાં 200થી વધુ મૃતદેહો પડેલા છે. જેથી અંતિમવિધિ માટે પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. તેમજ લોકોને ઓક્સિજનના બાટલા મેળવવા અને રિફીલિંગ કરવા માટે રઝળપાટ કરવો પડે છે. રિફીલિંગમાં પણ લાંબુ વેઇટિંગ ચાલે છે. સવારે આપો તો સાંજે બાટલો રિફીલિંગ થઈને આવે છે. આ પરિસ્થિતિમાં ઘરે રહીને સારવાર લેતા દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે. આ પ્રેસ કોન્ફરન્સ સંબોધ્યા બાદ મોઢવાડીયા સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સાથે દર્દીઓની સારવાર અંગે ચર્ચા કરી હતી.

બીજીતરફ પ્રદેશ કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ મોઢવાડીયાએ કરેલા આક્ષેપો સામે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આ કોઈ ચૂંટણીનો નહીં પણ મહામારીનો સમય છે. ત્યારે ગરિમા ચુકી આક્ષેપ બાજીમાં ઉતરવું યોગ્ય નથી. ગુજરાતની પ્રજા જ્યારે આપતિમાં છે, લડી રહી છે, જીવ બચાવવા સંઘર્ષ કરે છે, ત્યારે આ પ્રકારની વાતો વ્યાજબી નથી. ગાળ અને ગલોચની આ પ્રકારની વાતો કોંગ્રેસે કરવી જોઈએ નહીં. અગાઉ વર્ષ 2007 માં પણ કોંગ્રેસના સર્વોચ્ચ નેતાઓએ આવું નિવેદન કર્યું હતું. ત્યારે ગુજરાતે કોંગ્રેસને એનું સ્થાન દેખાડી દીધું છે. કોંગ્રેસ ડૂબતી નાવ છે એટલે બેફામ આક્ષેપ બાજી કરતી હોવાનું પણ તેમણે કહ્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud