- કલેક્ટરને આવેદન વાઈફાઈથી જ EVM માં ચેડાં થતા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો
- EVM અને તેમાં રહેલા મતો સાથે કોઈપણ ચેડાં ન થાય એ માટે આસપાસ જામર મુકવા માંગ
WatchGujarat. ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ EVM સ્ટ્રોંગરૂમમાં સીલ કરીને મુકવામાં આવ્યા છે. પરંતુ અહીં પણ EVM સુરક્ષિત ન હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહીં EVM જ્યાં રાખવામાં આવ્યા છે તે વિસ્તારમાં ‘નમો’ નામનું વાઈફાઈ પકડાતું હોવાનું પણ કોંગ્રેસનાં નેતાઓએ જણાવ્યું છે. અને આ અંગે કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી છે.
કોંગ્રેસનાં નેતાઓ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવીને રજુઆત કરવામાં આવી હતી. જેમાં વાઈફાઈથી જ EVM માં ચેડાં થતા હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો. સાથે જ સ્ટ્રોંગરૂમ નજીક ‘નમો’ વાઇફાઇ પણ પકડાતું હોવાનું જણાવી EVM સુરક્ષિત નહીં હોવાનું જણાવાયું હતું. આ સાથે જ EVM અને તેમાં રહેલા મતો સાથે કોઈપણ ચેડાં ન થાય એ માટે આસપાસ જામર મુકવાની માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
જો કે ભાજપનાં જણાવ્યા મુજબ શહેરના તમામ 18 વોર્ડની 72 બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થવો નિશ્ચિત છે. અને કોંગ્રેસનાં નેતાઓ હાર ભાળી ચુક્યા છે. એ કારણે જ પોતાની હારનું ઠીકરું EVM ઉપર ફોડવા માટે કોંગ્રેસ દ્વારા આવા ગતકડાં લાવવામાં આવી રહ્યા છે. ઉચ્ચ અધિકારીઓની દેખરેખમાં જ વહીવટી તંત્ર દ્વારા તમામ EVM ને સીલ કરીને સ્ટ્રોંગ રૂમમાં પહોંચાડવામાં આવ્યા છે. અને ત્યાં પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હોવાથી છેડછાડનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી.