• 50 વર્ષીય જાગાભાઇ મોહનભાઇ ભલગામડીયાને કોરોનાની સારવાર માટે સિવિલ હોસ્પિટલના કોવિડ કેરમાં દાખલ કરવામાં આવ્યા હતા
  • વહેલી સવારે સિવિલ હોસ્પિટલનાં કોવિડ બિલ્ડીંગનાં ચોથા માળેથી એક કોરોના પોઝિટિવ દર્દી કૂદી જતા જ ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું
  • ઘટના બાદ શરૂઆતમાં તો પરિવારજનોએ જાગાભાઇ આવું પગલુ ભરે જ નહિ તેવું કહ્યું હતું. પરંતુ હોસ્પિટલ સ્ટાફે સીસીટીવી ફૂટેજ બતાવ્યા

WatchGujarat. કોરોના સંક્રમિત દર્દીઓ આપઘાત કરી લેતાં હોવાની ઘટનાઓ સતત વધી રહી છે. તાજેતરમાં જ સમરસ હોસ્ટેલમાં એક મહિલા દર્દીએ આપઘાત કર્યો હતો. ત્યાં હવે સિવિલ કોવિડ હોસ્પિટલના બિલ્ડીંગનાં ચોથા માળેથી છલાંગ લગાવી કુવાડવાના સાયપરના કોરોના પોઝિટિવ દર્દીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ દર્દીને લોબીમાં જોતા જ બે કર્મચારી દોડ્યા હતા. પરંતુ દર્દીને પકડી શકે તે પહેલાં જ કૂદી જતા કમકમાટી ભર્યુ મોત નિપજ્યું છે. આ અંગેનાં સીસીટીવી પણ પરિવારને બતાવાયા હોવાનું જાણવા મળ્યું છે.

આ કરુણ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર, વહેલી સવારે સિવિલ હોસ્પિટલનાં કોવિડ બિલ્ડીંગનાં ચોથા માળેથી એક કોરોના પોઝિટિવ દર્દી કૂદી જતા જ ઘટનાસ્થળે તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પ્ર.નગર પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં આ મૃતકનું નામ 50 વર્ષીય જાગાભાઇ મોહનભાઇ ભલગામડીયા હોવાનું અને તેઓ કુવાડવાના સાયપર ગામમાં રહેતાં હોવાનું ખુલ્યું હતું. બનાવ સ્થળે મૃતકના પરિવારજનો હાજર હોઇ પોલીસે પંચનામુ કરી મૃતદેહ અંતિમવિધી માટે સોંપ્યો હતો.

પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ જાગાભાઇ ઇલેકટ્રીક કામની મજૂરી કરતાં હતાં. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ત્રણેય સંતાનના લગ્ન થઇ ગયા છે. જાગાભાઇ ત્રણ ભાઇમાં મોટા હતાં. અન્ય બે ભાઇઓના નામ ગિરધરભાઇ અને સંજયભાઇ છે. મૃતકનાં નાના ભાઇ સંજયભાઇના જણાવ્યા મુજબ હજુ ગત સાંજે જ મેં મોટા ભાઇ જાગાભાઇ સાથે વિડીયો કોલથી વાત કરી હતી. તેમણે પોતાને સારું હોવાનું કહ્યું હતું અને હાથમાં સોય બતાવી હતી. ત્યારે તેમણે અચાનક આવું પગલુ શા માટે ભર્યુ તેનાથી અમે પણ અજાણ છીએ.

ઘટના બાદ શરૂઆતમાં તો પરિવારજનોએ જાગાભાઇ આવું પગલુ ભરે જ નહિ તેવું કહ્યું હતું. પરંતુ હોસ્પિટલ સ્ટાફે સીસીટીવી ફૂટેજ બતાવ્યા હતાં. જેમાં પણ મૃતક જાગાભાઇ વોર્ડમાંથી બહાર નીકળી લોબીમાં જઇને છલાંગ લગાવતાં અને બે કર્મચારી તેમની પાછળ દોટ મુકી બચાવવા જતાં જોવા મળતા પરિવારજનોને આ ઘટના પર વિશ્વાસ બેઠો હતો. કોરોનાથી કંટાળી જઇ જાગાભાઇએ આ પગલુ ભરી લીધાની શકયતા હાલ પોલીસે વ્યક્ત કરી છે. અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud