• અપેક્ષાના પિતા ગત. તા. 6 એપ્રિલ અને માતા તા. 10 એપ્રિલના રોજ કોરોનાના કારણે અવસાન થયું
  • દુ:ખને ભૂલાવીને માનવજાત ઉપર આવી પડેલી આ વિકટ પરિસ્થિતિમાં હું અન્યોને મદદરૂપ થવા માંગુ છું. – અપેક્ષા મારડીયા
  • દર્દીઓના રિપોર્ટ્સ,  ઓક્સિજન લેવલ ચેક કરવું, દવા આપવી, દર્દીના શિફટિંગ તેમજ અન્ય કામગીરીમાં અપેક્ષા મદદરૂપ

Watchgujarat.  શહેરની સમરસ કોવિડ સેન્ટર ખાતે ફરજ બજાવતી અપેક્ષા મારડીયા પી.ડી.યુ. મેડિકલ કોલેજ ખાતે બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અપેક્ષાએ માતા પિતા ગુમાવ્યાને થોડો જ ટાઈમ થયો હોવા છતાં પોતે જે વ્યવસાય સ્વીકાર્યો છે, તેને સમર્પિત છે. તેમજ હાલની પરિસ્થિતિમાં અન્ય લોકોના માં-બાપને બચાવી પોતાના માતા-પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગે છે.

અપેક્ષાએ જણાવ્યું હતું કે, મારા માતા પિતા હવે રહ્યા નથી, જેનું મને ખુબ જ દુઃખ છે. આ દુ:ખને ભૂલાવીને માનવજાત ઉપર આવી પડેલી આ વિકટ પરિસ્થિતિમાં હું અન્યોને મદદરૂપ થવા માંગુ છું. કોરોના સંક્રમણથી અન્ય લોકોના માતા – પિતાને બચાવીને મારે મારા માતા – પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવી છે. અનેક ગંભીર દર્દીઓનો અને તેમના પરિવારજનોનો જયારે મેડિકલ ટીમ પર ભરોસો છે, ત્યારે તેમની અપેક્ષા પરિપૂર્ણ કરવી જોઈએ.

આ અંગે તેનો પ્રથમ અનુભવ જણાવતા અપેક્ષા કહે છે કે, હાલમાં એક ગંભીર દર્દીને પી.ડી.યુ ખાતે શિફ્ટ કરવા સમયે દર્દીની સાથે એમ્બ્યુલન્સમાં સાથે જઈને દેખભાળ કરી હતી. એટલું જ નહિ દર્દીને વેન્ટિલેર પર મુકાય ત્યાં સુધી મદદરૂપ બની હતી. જેને લઈને હાલ એ દર્દીની સ્થિતિ સારી છે. જે મારા માટે ખૂબ આનંદની વાત છે. મારી માફક જ અન્ય તબીબી વિદ્યાર્થીઓ પણ જરૂરિયાતના સમયે દર્દીઓને બચાવવાની તેમની ફરજ અદા કરી સાચા અર્થમાં કોરોના વોરિયર્સ સાબિત થઈ રહ્યા છે.

સમરસ કોવિડ સેન્ટરના અધ્યક્ષ ચરણસિંહ ગોહિલ અને સિનિયર ડોક્ટર્સનાં જણાવ્યા મુજબ અપેક્ષાના પિતા ગત. તા. 6 એપ્રિલ અને માતા તા. 10 એપ્રિલના રોજ કોરોનાના કારણે અવસાન પામતા તેના પર અપાર દુઃખ આવી પડ્યું હતું. આ સાથે જ 10 માં ધોરણમાં ભણતા નાના ભાઈના ઘડતરની પણ મોટી જવાબદારી આવી ચડી છે. આ કપરી પરિસ્થિતિમાં તેણી ધારત તો ફરજનો અસ્વીકાર કરી શકે તેમ હતી.

જો કે તેણે ફરજને પ્રાથમિકતા આપીને દુઃખી રહેવાને બદલે દર્દીઓની સારવારમાં જીવ રેડી દીધો છે. તેમજ તા. 27 એપ્રિલથી જ સમરસ કોવીડ સેન્ટર પર ફરજ બજાવવાનું શરૂ પણ કરી દીધું છે. દર્દીઓના રિપોર્ટ્સ,  ઓક્સિજન લેવલ ચેક કરવું, દવા આપવી, દર્દીના શિફટિંગ તેમજ અન્ય કામગીરીમાં અપેક્ષા મદદરૂપ બની રહી છે. હાલ સમરસ ખાતે અનેક દર્દીઓની વચ્ચે ખુબ વિશ્વાસ અને હિંમતનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડી અપેક્ષા તેના કામમાં નિપુણતા મેળવી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud