• જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસનાં વશરામ સાગઠિયા સહિતનાં ચારેય કોર્પોરેટરો માસ્કની ઉપર જ સણસણતા સવાલો પુછ્યા
  • કોરોના કાળમાં સ્થાનિક ભાજપનાં નેતાઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા
  • જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા પાણી મુદ્દે પ્રશ્નો પુછવામાં આવ્યા
  • સાગઠીયા દ્વારા રાજકોટમાં રોજ કેટલું પાણી અપાય છે તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેના જવાબમાં બંને સાથે ઉગ્ર બોલાચાલી થઇ

WatchGujarat. આજે મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસનાં સભ્યો દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો હતો. ચારેય કોંગી નગર સેવકોએ પોતાના માસ્ક પર ‘મોદી સાહેબ રાજકોટનાં નેતાઓને પૂછો કોરોનામાં ક્યાં હતા’ સહિતનાં વિવિધ લખાણ લખી પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. એટલું જ નહીં પાણી પ્રશ્ને પણ કોંગી કોર્પોરેટર વશરામભાઈ સાગઠિયા અને મ્યુ. કમિશ્નર ઉદ્દીત અગ્રવાલ સામસામે આવી ગયા હતા. અને બંને વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.

આજે મળેલી મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં કોંગ્રેસનાં વશરામ સાગઠિયા સહિતનાં ચારેય કોર્પોરેટરો માસ્કની ઉપર જ ‘મોદી સાહેબ રાજકોટના નેતાઓને પૂછો કોરોના સમયે ક્યાં હતા’, ‘જનરલ બોર્ડમાં પ્રજાના અગત્યના પ્રશ્નોની જ ચર્ચા કરવી’ ‘લોકો પાસેથી એકત્ર કરવામાં આવેલ દંડ પાર્ટી ફંડમાં ઉપયોગ ન કરવો’ અને ‘કોરોના મૃત્યુનાં સાચા આંકડા આપો’ જેવા લખાણ લખ્યા હતા. અને કોરોના કાળમાં સ્થાનિક ભાજપનાં નેતાઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.

જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા પાણી મુદ્દે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. અને જવાબ માંગવામાં આવતા પૂર્વ વિપક્ષ નેતા વશરામ સાગઠિયા અને મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ વચ્ચે શાબ્દિક ટપાટપી પણ જોવા મળી હતી. વશરામભાઈ સાગઠીયા મેયર પ્રદીપ ડવ સાથે પણ બાખડી પડયા હતા. સાગઠીયા દ્વારા રાજકોટમાં રોજ કેટલું પાણી અપાય છે તે અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો તેના જવાબમાં બંને સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

અત્યાર સુધી કોરોનાથી મૃત્યુના મામલે સત્તાપક્ષ અને વિપક્ષ સામ-સામે દલીલબાજી કરતા જોવા મળ્યા હતા. અને ફરી એકવાર વિપક્ષે સતાપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. બીજીતરફ  જનરલ બોર્ડમાં કોર્પોરેટરો સોશ્યલ ડિસ્ટન્સમાં જોવા મળ્યા હતા. પણ રાજકોટ મનપાના અધિકારીએ સોશ્યલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડાવ્યા હતા. અને કોરોના અંગે જન જાગૃતિ કરનાર અધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સનું ભાન ભૂલતા તેમના સામે પણ અનેક સવાલો ઉઠયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud