• તપાસમાં નિકીતાબેનને બે દિવસથી તાવ આવતો હતો અને તબિયત ખરાબ હોઈ કોરોના  પોઝિટિવ આવશે તેવો ડર હતો
  • બીકને લીધે તેમણે રિપોર્ટ કરાવ્યા વિના જ આત્મઘાતી પગલું ભરી લીધું
  • રિપોર્ટ પોઝિટિવ આવતા પત્નિ અને પુત્ર દવા લેવા માટે ગયા દરમિયાન જ પાછળથી હસમુખભાઇએ ઘરે ગળાફાંસો ખાઇ લીધો

Watchgujarat. શહેરમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક સાબીત થઇ રહી છે. બીજીતરફ કોરોનાનાં ડરથી થતા આપઘાતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સામાકાંઠે બે દિવસથી તાવ આવતો હોવાથી કોરોના પોઝિટિવ આવશે તેવી બીકે મહિલાએ બાથરૂમ ક્લીનર પી લેતા ઉલ્ટીઓ થવા લાગી હતી. જેને લઈ હોસ્પિટલે ખસેડાતા ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. મહિલાના મોતથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. તો ગઈકાલે પણ પત્નીનો રિપોર્ટ પોઝીટીવ આવતા પતિએ આપઘાત કર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ, સામા કાંઠે કલ્પતરુ સોસાયટીમાં રહેતા 37 વર્ષીય નીકિતાબેન વિજયભાઈ રાઠોડ નામના મહિલાએ ગત રાત્રે પોતાના ઘરે બાથરૂમ ક્લીનર પી લેતા ઉલ્ટીઓ થવા લાગી હતી. જેને લઈને તેઓને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થતા બી-ડિવિઝન પોલીસનો કાફલો દોડી ગયો હતો, અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં નિકીતાબેનને બે દિવસથી તાવ આવતો હતો અને તબિયત ખરાબ હોઈ કોરોના  પોઝિટિવ આવશે તેવો ડર હતો. આ જ બીકને લીધે તેમણે રિપોર્ટ કરાવ્યા વિના જ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. નિકીતાબેનના મૃત્યુથી બે સંતાનોએ માતાનું છત્ર ગુમાવ્યું છે. તેમના પતિ ટ્રક્નું બોડીકામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. કોરોનાથી નહીં પરંતુ હવે તો તેના ડરથી પણ અનેક લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે જે ચિંતાજનક છે.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ હસનવાડી પાસેની વાલકેશ્વર સોસાયટીમાં આપઘાતની ઘટના સામે આવી હતી. જેમાં હસમુખભાઇ અને તેમના પત્નિ મધુબેનની તબિયત લથડતા બુધવારે બંનેએ કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં પત્નિનો રિપોર્ટ પોઝિટિવ આવતા પત્નિ અને પુત્ર દવા લેવા માટે ગયા હતાં. આ દરમિયાન જ પાછળથી હસમુખભાઇએ ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્નિના કોવિડ રિપોર્ટથી ડરીને આ પગલુ ભર્યાની શકયતા હાલમાં પરિવારજનોએ જણાવી છે. આ અંગે ભકિતનગર પોલીસ દ્વારા પણ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud