• માધાપર ચોકડી પાસે પુરપાટ ઝડપે આવતી કારની ઠોકરે એક્ટિવા પર સવાર દંપતિ અને તેની માસુમ પૌત્રી ફંગોળાયા
  • પોલીસે અકસ્માત થયા બાદ કાર છોડીને ફરાર થઈ ગયેલા ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી

WatchGujarat. શહેરમાં રાત્રી કરફ્યુ વચ્ચે અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં માધાપર ચોકડી પાસે પુરપાટ ઝડપે આવતી કારની ઠોકરે એક્ટિવા પર સવાર દંપતિ અને તેની માસુમ પૌત્રી ફંગોળાયા હતા. ઘટનામાં અતિ ગંભીર ઈજાને પગલે દંપતિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે 5 વર્ષની માસુમ પૌત્રીને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ થતાં દોડી ગયેલી પોલીસે અકસ્માત થયા બાદ કાર છોડીને ફરાર થઈ ગયેલા ચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત અનુસાર રેલનગરની ચંદ્રશેખર આઝાદ ટાઉનશીપમાં રહેતા 55 વર્ષીય દિલીપભાઇ પોપટભાઇ વાળા, તેના પત્ની હંસાબેન અને 5 વર્ષની પૌત્રી માહી સાથે મોડીરાત્રે એક્ટિવા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન માધાપર ચોકડી નજીકનાં ઓવરબ્રીજ પાસે પુરપાટ ઝડપે ધસી આવેલી એક કારે બાઇકને ઠોકર મારતા ત્રણેય ફંગોળાયા હતા.

ઘટનાને પગલે કાર ચાલક કાર રેઢી મૂકીને ફરાર થયો હતો. જો કે સ્થાનિક લોકો તરત જ એકઠા થઇ ગયા હતા. અને પોલીસ તેમજ 108ને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ તરત જ પહોંચી ગયા હતા. પરંતુ તે પહેલાં દિલીપભાઈ અને તેમનાં પત્ની હંસાબેનનું મોત નિપજ્યું હતું. જોકે તેમની પૌત્રી માહીને સારવાર માટે ખસેડવામાં આવી છે.

ગાંધીગ્રામ પોલીસનાં જણાવ્યા મુજબ, દિલીપભાઇ વાળાને યુનિવર્સિટી રોડનાં પંચાયત ચોકમાં બાલવી કૃપા નામની લોન્ડ્રીની દુકાન છે. અને રામાપીર ચોકડી નજીક એક મકાન આવેલું છે. ત્યાં કપડાં ધોવાનું કામ કરે છે. દિલીપભાઇ રાત્રે દુકાનેથી નીકળ્યા હતા અને રામાપીર ચોકડીએ મકાને કામ કરતા તેના પત્ની અને પૌત્રીને બાઇકમાં બેસાડી રેલનગર જવા નીકળ્યા હતા. આ દરમિયાન કારની ઠોકરે પતિ-પત્ની કાળનો કોળિયો બની ગયા છે. હાલ પોલીસે ફરાર કાર ચાલકને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud