• ભાવનગર સ્થિત સમર્પણ હોસ્પિટલમાં ગત રાત્રે આગ લાગતા દર્દીઓના જીવ તાળવે ચોંટ્યા
  • ફાયર સ્મોક ડિટેક્ટિવ અલાર્મ દ્વારા નીચે સ્ટાફને જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો
  • દર્દીઓને ચાલુ ઓક્સિજને બાટલા પકડી પકડીને નીચે ઉતારી 108 દ્વારા અન્ય ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

WatchGujarat. શહેરનાં કાળુભા રોડ પર આવેલી સમર્પણ હોસ્પિટલમાં મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી. હોટલ જનરેશન એક્સના રૂમ નંબર 304માં ટીવીના યુનિટમાં શોર્ટ સર્કિટ થતા અચાનક આગ લાગી હતી. જોકે ફાયર સ્મોક ડિટેક્ટિવ અલાર્મ દ્વારા નીચે સ્ટાફને જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમજ ફાયર વિભાગની સમયસરની કામગીરીથી સદનસીબે આ હોસ્પિટલનાં રૂમમાંથી 18 દર્દીઓને બચાવી લઈ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. અને હોસ્પિટલમાં રહેલા બાકીના 50થી વધુ દર્દીઓને અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.

આ અંગેની જાણ થતાં મ્યુ. કમિશ્નર, ધારાસભ્ય જીતુ વાઘાણી અને પોલીસ અધિક્ષક સહિત અનેક લોકો સ્થળ પર પહોંચ્યા હતા. જીતુ વાઘાણીએ કસૂરવાર સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આગને કારણે લીફ્ટ બંધ કરી દેવાતા કોરોનાના દર્દીઓને તેડી તેડીને બહાર લવાયા હતા. દર્દીઓને ચાલુ ઓક્સિજને બાટલા પકડી પકડીને નીચે ઉતારી 108 દ્વારા અન્ય ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગના સમયે સ્ટાફ દ્વારા બારીઓના પરદા અને ગાદલા ખેંચીને બહાર કાઢી લેતા આગ આગળ નહોતી વધી. જોકે અડધી રાત્રે હોસ્પિટલમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને દર્દીઓને બહાર કાઢવામાં મદદ કરી હતી. બીજીતરફ દર્દીઓને તાત્કાલિક ત્યાંથી અન્ય હોસ્પિટલમાં ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમજ તમામ 18 દર્દીઓનો બચાવ થયો હતો. આગને કાબૂમાં લીધા બાદ આ કોવિડ સેન્ટરમાં રહેલા કોરોનાના અન્ય 50થી વધુ દર્દીઓને પણ 108ની 8 ગાડી, ફાયરની 2 ગાડીમાં ખાનગી, સર તખ્તસિંહજી હોસ્પિટલ તેમજ લેપ્રેસી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાની મહામારી સાથે સાથે કોવિડ-19 હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટના પણ સતત વધી રહી છે. છેલ્લા 1 વર્ષમાં અમદાવાદ, વડોદરા, જામનગર અને રાજકોટમાં પણ કોરોનાની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જેમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ઘણા  દર્દીઓ ICUની આગમાં લપેટાઈ મોતને ભેંટ્યા હોવાનું સામે આવી ચૂક્યું છે. જોકે હજુસુધી આવી ઘટનામાં કોઈને સજા થઈ નથી. માત્ર તપાસનાં નાટકો જ ચાલી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud