• કોરોનાના દર્દીઓ સાથે વાતચીત કરી પ્રેમ અને હૂંફ પુરું પાડવામાં આવી રહ્યું છે
  • દર્દીઓના મનમાંથી કોરોનાનો ડર દૂર કરવાનો કાઉન્સિલિંગ ટીમના પ્રયાસ

WatchGujarat. સમરસ હોસ્ટેલમાં શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલાં કોરોનાના દર્દીઓને પ્રેમ – હૂંફ પુરી પાડવા સાથે દર્દીઓના મનમાંથી કોરોનાનો ડર દૂર કરવાનો પ્રયાસ કાઉન્સિલિંગ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

વહીવટી તંત્રએ શહેરની સમરસ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે. જેમાં હાલમાં દર્દીઓને ઓક્સિજન સાથે સારવાર આપવામાં આવી રહી છે. સાથે જ મોટી ઉંમરના દર્દીઓ રોગને ભૂલી જાય તેના માટે ખાસ ભજન-કીર્તન અને ગરબા સહિતના વિવિધ પ્રયાસો કાઉન્સિલરની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કાઉન્સિલર ઘરના સભ્ય જેવું વર્તન કરી દર્દીને રોગ ભૂલાવી પ્રેમની સાથે હૂંફભર્યુ વાતાવરણ ઉભું કરવા માટે પ્રયાસ કરતા હોવાના વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં દર્દીઓ ભજન-કીર્તન તેમજ ગરબાના તાલે ઝુમી ઉઠતા નજરે પડી રહ્યા છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, કાઉન્સિલર ટીમ દ્વારા દર્દી સાથે પ્રેમ અને હૂંફાળી અને લાગણીસભર વાતચીત કરવામાં આવે છે. તેમજ તેમના પરિવારજનો સાથે પણ એક પોઝિટિવ ઊર્જાસભર વાતચીત વીડિયો કોલ માધ્યમથી કરાવી આપવામાં આવે છે. આ સમયે કાઉન્સિલર એક રૂમમાં વૃદ્ધ દર્દીઓ પાસે ભજન કીર્તન કરતા અને ગરબે ઘૂમડતા નજરે પડે છે. કાઉન્સિલરની ટીમના ઉત્સાહને જોઇ દર્દીઓ રોગ ભૂલી અને ભજન કીર્તન તેમજ ગરબામાં મગ્ન થઇ જતા હોવાનું પણ આ વિડીયોમાં જોઈ શકાય છે.

રાજકોટ સહિત દેશભરમાં કોરોનાની બીજી લહેર ખૂબ ઘાતક સાબિત થઈ રહી છે. જેને લઈ કોરોના પોઝિટિવ હોવાનું સાંભળતા જ કેટલાક દર્દીના હૃદયના ધબકારા વધી જાય છે. જોકે આ બધા વચ્ચે સમરસ હોસ્ટેલની સરાહનીય કામગીરી સામે આવી છે. રાજકોટ સમરસ હોસ્ટેલમાં દાખલ કોરોના પોઝિટિવ દર્દીઓને તબીબો તો સારવાર આપી જ રહ્યા છે. આ સાથે દર્દીઓને થતો માનસિક તણાવ દૂર કરવા માટે ખાસ કાઉન્સિલર ટીમ મૂકવામાં આવી છે. આ ટીમ દર્દીઓનું કાઉન્સિલિંગ કરે છે. અને દર્દીઓના મગજમાં ઘર કરી ગયેલો કોરોનાનો ડર દૂર કરવા સતત પ્રયત્નશીલ રહે છે. આ માટે ભજન કીર્તન અને ગરબા ઉપરાંત વિવિધ પ્રકારનાં યોગ સહિત આસનો કરાવી દર્દીઓનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud