• 18 માર્ચ-2020નાં ગુજરાતનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી આવ્યો હતો
  • પોલીસે SAFE રાજકોટ એપ દ્વારા કોરોના પોઝીટીવ લોકોની હાજરી પુરવા માટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી.
  • સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર 433 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ અને 13 તબીબ દંપતિ સંક્રમિત થયા હતા
  • કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવમાં 5 લોકોના મોત નિપજ્યા હતા

WatchGujarat. શહેર સહિત ગુજરાતનો કોરોનાનો સૌપ્રથમ કેસ આવ્યાને આજે એક વર્ષ થયું છે. આ એક વર્ષમાં 433 ડોક્ટર્સ સહિત કોરોનાનાં 17 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. આ દરમિયાન સંક્રમણને અટકાવવાની સાથે લોકોમાં જાગૃતિ આવે તે માટે પોલીસથી લઈને પેરામેડિકલ સ્ટાફ સુધીના કર્મચારીઓ ખડેપગે હાજર રહ્યા હતા. અને એક તબક્કે કોરોના ઘૂંટણિયે પડતો દેખાયો હતો. પરંતુ ચૂંટણીઓ દરમિયાન થયેલા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં ઉલાળીયાને કારણે ફરીવાર કોરોનાએ માથું ઊંચક્યું છે.

18 માર્ચ-2020નાં ગુજરાતનો પ્રથમ કેસ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી આવ્યો હતો. જેને લઈને આ વિસ્તારને કોર્ડન કરવા માઇક્રો પ્લાનીંગ સાથે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનાં નેતૃત્વમાં ટીમો બનાવાઈ હતી. અને 542 જવાનોને આ વિસ્તારમાં રાત-દિવસ તૈનાત કરવામાં આવ્યા હતા. શરૂઆતનાં આ સમયમાં માત્ર શહેરનાં જંગલેશ્વર વિસ્તારમાંથી જ પોઝીટીવ કેસો આવતા હતા. જો કે બાદમાં કેટલાક લોકોએ આ કરફ્યુનો ભંગ કરતા કોરોના ફેલાયો હતો. દરમિયાન પોલીસે કરફ્યુ ભંગના 110 ગુના દાખલ કર્યા હતા. આ સમયગાળામાં અનેક પોલીસ જવાનો અને વિસ્તારનાં આગેવાન મુન્નાભાઈનો રિપોર્ટ પોઝીટીવ આવતા જાણે ફફડાટ ફેલાયો હતો.

પોલીસે SAFE રાજકોટ એપ દ્વારા કોરોના પોઝીટીવ લોકોની હાજરી પુરવા માટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી. જેથી કોરોનગ્રસ્ત વ્યક્તિ અન્ય કોઈ સ્થળે જઈ સંક્ર્મણ ફેલાવી ન શકે. બીજીતરફ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર દરમ્યાન 162 રેસીડેન્ટ તબીબો, 146 નર્સીગ સ્ટાફ તેમજ બાકીના સ્ટાફના 125 લોકો મળી કુલ 433 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોરાનાનો ચેપ લાગ્યો હતો. તો 13 તબીબ દંપતિ પણ સંક્રમિત થયા હતા. જો કે તમામ સ્ટાફે સાજા થતાની સાથે જ સેવામાં લાગી જઈને કાબિલે દાદ કામગીરી કરી હતી.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કોરોનાના સંક્ર્મણને ફેલાતું અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. મનપાના આરોગ્ય અધિકારી ડો.વાંઝાનાં કહેવા મુજબ, આ એક વર્ષમાં અમે 9 રાઉન્ડમાં સર્વે કરવાની સાથે ત્રણેય ઝોનમાં કુલ 21 અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના સંબંધી કામગીરી સ્ટાફ દ્રારા 6.19 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ 48 ધન્વંતરી રથ, 36 ટેસ્ટીંગ બુથ, 20 સંજીવની રથ અને 12 જેટલી 140 હેલ્પલાઇન વાન કાર્યરત છે. મનપાનાં અનેક કર્મચારીઓ પણ આ મહામારીની ચપેટમાં આવી ગયા હતા. જો કે માઈક્રો પ્લાનિંગ દ્વારા આયોજન કરી લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટેના બનતા પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ સમયગાળા દરમિયાન કેટલાક દર્દીઓએ જરૂરી સારવાર સમયસર નહીં મળવાના આક્ષેપો પણ કર્યા હતા. તો કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવમાં 5 લોકોના મોત નિપજ્યા હતા. આ મામલે પોલીસ અને મનપા તંત્રની કામગીરી સામે અનેક સવાલો પણ ઉઠયા હતા. લોકડાઉનનાં અમલ દરમિયાન પોલીસની આકરી કાર્યવાહીને કારણે પણ ઘણા લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. જોકે તંત્રના આ તમામ પ્રયાસોને કારણે એક તબક્કે કોરોના સાવ કંટ્રોલમાં આવી ગયો હતો. પરંતુ બાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રાજનેતાઓ સામે તંત્ર દ્વારા થયેલા આંખ મીચામણાને પગલે ફરી એકવાર સંક્રમણ વધ્યું છે. અને લોકોએ રાત્રી કરફ્યુ સહન કરવાનો વારો આવ્યો છે. ત્યારે હવે પોલીસ અને મનપા તંત્ર નિયમનાં પાલન માટે રાજકીય આગેવાનો સામે પણ આકરું વલણ રાખે તે જરૂરી બની ગયું છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud