• રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો 650 પાર થતા શહેર – જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું
  • ગરીબોને 1 હજાર જેટલા ટોકન આપી ડ્રાઇવથ્રુ ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવે તેવી વ્યવસ્થા કરાઈ
  • મહાનગરપાલિકા દ્વારા કુલ 48 સ્થળો પર 18 વર્ષથી ઉપરની ઉંમરના જે લોકોએ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેમને એપોઇન્ટમેન્ટના સમય મુજબ રસી આપવામાં આવી

Watchgujarat. શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. સાથે મૃતકની સંખ્યામાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 69 દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. બીજીતરફ મહાનગરપાલિકા દ્વારા આજથી ડ્રાઈવથ્રુ ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સાથે-સાથે આજથી શહેરમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોનું રસીકરણ શરૂ કરવામાં આવતા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને રસીકરણ કેન્દ્રો પર યુવાનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે.

સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા. 30 એપ્રિલનાં સવારનાં 8 વાગ્યાથી તા. 1મેં સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર અને જીલ્લાના 69 દર્દીઓનાં મોત નિપજ્યા છે. કાલે થયેલા 57 મોત પૈકી માત્ર 14 મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ડેથ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવાયું છે. હાલમાં શહેર-જીલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 172 બેડ ખાલી છે.

રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણનો આંકડો 650 પાર થતા શહેર – જિલ્લાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. અને ટેસ્ટીંગ વધારવાની સાથે જ કન્ટેન્ટમેન્ટ ઝોનની કામગીરીમાં ઝડપ લાવવામાં આવી છે. સાથે જ મનપા દ્વારા ડ્રાઈવથ્રુ ટેસ્ટની શરૂઆત કરવામાં આવી છે. આ ટેસ્ટમાં સરકારના ધારાધોરણ મુજબ ચાર્જ વસૂલી કાર, ઓટો સહિતના વાહનમાં જ ટેસ્ટ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ 24થી 36 કલાકમાં આપવામાં આવશે. જોકે ગરીબોને 1 હજાર જેટલા ટોકન આપી આ ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવે તેવી વ્યવસ્થા કરાઈ હોવાનું મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી દ્વારા જણાવાયું છે.

રાજ્ય સરકારનાં આદેશ મુજબ આજથી 18 વર્ષથી ઉપરના ઉંમરના વ્યક્તિઓ માટે કોરોના રસીકરણનો પ્રારંભ કરાયો છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા કુલ 48 સ્થળો પર 18 વર્ષથી ઉપરની ઉંમરના જે લોકોએ સેલ્ફ રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તેમને એપોઇન્ટમેન્ટના સમય મુજબ રસી આપવામાં આવી રહી છે. આજે પ્રથમ દિવસે જ આ વેકસીનેશન માટે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઝવેરચંદ મેઘાણી શાળા ખાતે યુવાનોની લાંબી કતારો જોવા મળી હતી. તેમજ યુવાનોએ રસીકરણ કોરોનાને હરાવવાનો સચોટ ઉપાય હોવાનું સ્વીકાર્યું હતું. આગામી સમયમાં રજિસ્ટ્રેશન વગરના લોકો માટે મહાનગરપાલિકા દ્વારા વ્યવસ્થા ગોઠવવા જરૂરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud