• કોરોના કાળમાં ઘર બહાર કામ વગર નહિ નિકળવાના સુચનને પગલે લોકોમાં માનસીક અશાંતિ વ્યાપી
  • લોકોના પ્રશ્નને લઇને સૌરાષ્ટ્ર યુનિ.માં કાઉન્સિલીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
  • સેન્ટરમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સતત ફોન આવી રહ્યા છે

WatchGujarat. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનમાં હાલ કોરોના કાળને લઈ એક કાઉન્સલિંગ સેન્ટર ચાલી રહ્યું છે. જેમાં જવાબ આપવા બેસતા ડોક્ટર્સનાં કહેવા મુજબ હાલના સમયમાં લોકોમાં ભારે માનસિક તણાવ જોવા મળી રહ્યો છે. અને વિચારી પણ ન શકાય તેવી સમસ્યાઓ સામે આવી રહી છે. જેમાં ખાસ ગર્ભવતી સ્ત્રીઓને કોરોના કાળમાં બાળકનો જન્મ થશે તો કેવા મેણા સાંભળવા પડશે ? જ્યારે એક પતિના જણાવ્યા મુજબ તેની પત્ની કોરોનાની ચિંતામાં સતત કપડાં ધોયે રાખે છે સહિતની સમસ્યાઓ સામે આવી રહી છે. જો કે હાલ ડોક્ટર્સ દ્વારા આ સમસ્યાનું શક્ય તેટલો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી લોકોને ઘરમાં રહેવાની સલાહ જ આપવામાં આવી રહી છે.

જાણો વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સતત ફોન પર મળતી સમસ્યાઓ

(1) “મને પવન થી ખૂબ જ ડર લાગે છે ક્યાંક જતાં હોઈએ અને ઓચિંતા નો એકદમ પવન આવે તો એમ થાય કે જાણે હમણાં મારો જીવ જતો રહેશે..”

(2) મારી પત્ની સતત કોરોનાની ચિંતા કરે છે ક્યારેક તો દીવાલમાં માથા ભટકાડે . માથા માં ઢિક્કા મારે છે..આખો દિવસ કપડાં ધોયા રાખે છે.. હું અને પરિવાર થાકી ગયા.  કંઈક ઉપચાર કહો.

(3) હું કોરોના પેશન્ટ છું પણ કોઈ ડોકટર વ્યવસ્થિત જવાબ જ નથી આપતા કે શું કરવું એમ. રિપોર્ટ કરાવ્યા પછી મેં લેબોરેટરી વાળા ને પૂછ્યું એટલે એમને કહેલું કે રિપોર્ટ સાવ નોર્મલ છે તમને વધારે કંઈ નથી ખાલી આરામ કરો અને દવા લેજો. છતાં થોડું પણ કામ કરું એટલે શ્વાસ ચડી જાય છે અને છાતી ના દુખાવો થાય છે. ડોકટર કોઈ સરખો જવાબ આપતા નથી. પૈસા લઈ લે છે ખાલી.મને ચિંતા થાય છે કે મને વધારે કંઈ નહિ હોય ને?

(4) હું ડિપ્રેશન માં છું, મને કોરોના થયું ત્યાર નો હું ડિપ્રેશન માં છું. હું કોરોંટાઈન હતો ત્યારે સોશિયલ મીડિયા નો વધુ ઉપયોગ થતો એમાં મારી વાત મારી કોલેજની એક જૂની ફ્રેન્ડ સાથે વાતચીત થઈ પણ હવે એવું થાય કે હું એના વગર રહી નથી શકતો, કંઈ કામ નથી કરી શકતો એના જ વિચાર આવે છે અને મને બધે એ દેખાય છે.

(5) એક બેન નો ફોન આવ્યો કે મને સતત એમ જ ડર લાગે છે કે મારા થી કઈક બોલાય જશે ખોટું તો મારી સાથે એવું થઈ જશે. એટલે મગજ માં આખો દિવસ એ જ વિચાર આવ્યા કરે છે કે કઈક મારાથી એવું બોલાય ગયું તો મને કઈક થઈ જશે. એમાં ને એમાં હું આખો દિવસ ભગવાન નું નામ જ લીધા કરું છું. એ સિવાય હું કઈ કામ નથી કરી શકતી. શું કરું? સતત આવા નેગેટિવ વિચાર જ આવ્યા કરે છે એટલે હું જમી પણ નથી શકતી અને સૂઈ પણ નથી શકતી.

 (6) જ્યારથી મારા ફઈ નો છોકરો કોરોના માં ગુજરી ગયો છે ત્યાર થી મને રાતે ઊંઘ જ નથી આવતી, આવે તો પણ ઉડી જાય છે. મને એ જ બીક લગે છે કે મને પણ કંઈ થઈ જશે તો?

(7) મને OCD છે. મેં દવા 10 દિવસ લીધી પણ હવે દવા વગર તમે જો કરી શકો મદદ તો મારે દવા નથી લેવી. હું મે કરેલું કોઈ કામ હોય એ ફરી ફરી ને ચેક કર્યા કરું છું. જેમકે હમણાં ઓફિસ ને તાળું માર્યું તો પાછું 2 વાર ચેક કર્યું ત્યારે શાંતિ થઈ શું કરું હું?

નોંધનીય છે કે, હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોએ કાઉન્સેલિંગનો મોર્ચો સંભાળ્યો છે. જેમાં સુરેન્દ્રનગર, લીમડી, મોરબી, વઢવાણ, કુતિયાણા, પોરબંદર, કાલાવડ, ધ્રોલ, દ્વારકા જામનગર,  લાલપુર,  અમરેલી,  કુંકાવાવ, જૂનાગઢ,  વિસાવદર,  રાજકોટ,  વગેરેના વતની 45 વિદ્યાર્થીઓ પોતાના તાલુકામાં ટેલિફોનિક કાઉન્સલિંગ કરી લોકોને માનસિક સધિયારો આપી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud