- ગાંધીનગર અને રાજકોટ સહિત શહેરમાં કોરોના વેક્સિનની ડ્રાયરન(મોકડ્રિલ)નું આયોજન કરાયું
- ડમી વેકસીનેશનમાં મનપા આરોગ્ય અધિકારી, હોસ્પિટલ સ્ટાફ અને WHOના અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા
WatchGujarat. રાજ્યનાં પાટનગર ગાંધીનગર અને રાજકોટ સહિત શહેરમાં કોરોના વેક્સિનની ડ્રાયરન(મોકડ્રિલ)નું આયોજન કરાયું છે. જે અંતર્ગત શહેરના ગુંદાવાડી વિસ્તારમાં આવેલ સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલમાં વેક્સિનેશનની મોકડ્રિલ યોજવામાં આવી હતી. તેમજ મેડીકલ સ્ટાફને રસીકરણ કેન્દ્ર ખાતે ડમી વેકસીનેશન કરવામાં આવ્યું હતું. જેમાં મનપા આરોગ્ય અધિકારી, હોસ્પિટલ સ્ટાફ અને WHOના અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા છે. અને એક-એક મિનિટનો હિસાબ રાખવામાં આવી રહ્યો છે.
સૌપ્રથમ જાનવી બગડા નામની યુવતિ પર રસીકરણની મોકડ્રિલ કરવામાં આવી હતી. આ અંગે મીડિયા સાથે કરેલી વાતચીતમાં તેણીએ જણાવ્યું હતું કે, પ્રથમ તો મને વેકસીનેશન માટે આવવાનો મેસેજ મળ્યો હતો. જે અનુસાર શ્યામનગર પહોંચી હતી. અહીં પહેલા તો મને વેઈટિંગ રૂમમાં રાખી નોંધણી કરવામાં આવી હતી. અને ત્યારબાદ રસીકરણ માટે લઈ જવામાં આવી હતી. તો વેકસીનેશન થયા બાદ પણ મને અડધો કલાક માટે ઓબ્જેર્વેશનમાં રાખવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયામાં અંદાજે પોણો કલાક જેટલો સમય લાગ્યો હોવાનું પણ તેણીએ કહ્યું હતું.
મનપાનાં આરોગ્ય અધિકારી ડો.એલ.ટી.વાજાએ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ એક સાથે પાંચ સ્થળ પર આજ થી ડ્રાય રનનું આયોજન કર્યું છે. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા ગુંદાવાડીમાં આવેલ સરકારી પદ્મકુંવરબા હોસ્પિટલમાં વેકસીનની મોકડ્રિલ કરવામાં આવી હતી. અને હોસ્પિટલ સ્ટાફને ડમી રસીકરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં રસી લઈને જતા વાહનમાં જીપીએસ સિસ્ટમ લગાવી દેવામાં આવી છે. અને વાહન કોલ્ડ સ્ટોરેજથી લઈને નિયત હેલ્થ સેન્ટરે કેટલીવારમાં પહોંચ્યું તેની પણ નોંધ રાખવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.