• વગ વાપરી 5 હજાર ઇન્જેક્શનની વ્યવસ્થા કરનાર ભાજપનાં બિચારા પ્રદેશ અધ્યક્ષ કોરોનાની સ્થિતીથી અજાણ
  • રાજકોટ એરપોર્ટ પર પાટીલે મીડિયાના જણાવ્યું કે, મોરવાહડફ ચૂંટણીમાં એક પણ જાહેર સભા કે સરઘસ કાઢવામાં આવ્યું નથી
  • બેડ ખૂટી રહ્યા છે અને દર્દીઓને 30-30 કલાક સુધી મૃતદેહો પરિવારને મળતા નથી આ વિશે પુછાતા જ પાટીલ સાવ અજાણ બની ગયા


WatchGujarat. શહેર સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. અને પોઝીટીવ કેસોની સાથે-સાથે મૃતકોની સંખ્યામાં પણ મોટો વધારો નોંધાયો છે. તેમજ ઠેર-ઠેર એમ્બ્યુલન્સની લાઈનો જોવા મળી રહી છે. આ સાથે જ રાજ્યનાં લગભગ તમામ શહેરોમાં બેડ સાથે રેમડેસીવીર ઇન્જેક્શનની અછતને લઈને લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. સમગ્ર મામલે હાઇકોર્ટે પણ રાજ્ય સરકારની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. અને સુઓમોટો દાખલ કરી રાજ્ય સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. ત્યારે વગ વાપરી 5 હજાર ઇન્જેક્શનની વ્યવસ્થા કરનાર ભાજપનાં બિચારા પ્રદેશ અધ્યક્ષને ખબર જ નથી કે હાલ હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે.

આજરોજ જસદણ કોવિડ કેર સેન્ટરમાં 100 બેડની સુવિધાનું લોકાર્પણ કરવા ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આ તકે રાજકોટ એરપોર્ટ પર પાટીલે મીડિયાની સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં જસદણમાં ખાસ કોરોનાનાં દર્દીઓ માટે 100 બેડ ઉભા કરાયા હોવાનું જણાવી તેમણે મોરવાહડફ ચૂંટણીમાં એક પણ જાહેર સભા કે સરઘસ કાઢવામાં આવ્યું નહીં હોવાનું જણાવ્યું હતું. સાથે જ યુવા કાર્યકરોએ બાઇક રેલી યોજી હતી તેને ઠપકો આપ્યો હોવાનું કહ્યું હતું. તો હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યા છે? પ્રશ્નના જવાબમાં પાટીલે પોતે કંઈ જાણતા જ ન હોય તેમ કહ્યું હતું કે, ‘મને આ સ્થિતિની ખબર નથી’

પાટીલે જણાવ્યું હતું કે, આખા રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે ભારતીય જનતા પાર્ટી સરકારની સાથે રહીને મદદરૂપ બનવાનો પ્રયત્ન કરી રહી છે. પાર્ટી દ્વારા પોતાની રીતે તેમજ સામાજિક સંસ્થાઓ સાથે મળીને ઠેર-ઠેર બેડ સહિતની જરૂરી સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે. જસદણમાં પણ ભાજપ કાર્યકરોએ લોકો માટે બેડની વ્યવસ્થા કરી છે. સુરતમાં પણ 1500થી વધુ બેડ અને આઇસોલેશન સેન્ટર ઉભા કરાયા છે. સૌના સાથ-સહકારથી આ કપરા સમયમાંથી બહાર આવી શકશે.

વધુમાં બેડ ખૂટી રહ્યા છે અને દર્દીઓને 30-30 કલાક સુધી મૃતદેહો પરિવારને મળતા નથી આ વિશે પુછાતા જ પાટીલ સાવ અજાણ બની ગયા હતા. અને કહ્યું હતું કે, આ સ્થિતિની મને ખબર નથી. પરંતુ હું માનું છું કે, સરકારે હમણાં જ વ્યવસ્થાઓ કરી છે. અચાનક આવેલી સ્થિતિને પહોંચી વળવા તંત્ર પણ દોડતું થયું છે. ત્યારે જલ્દીથી જે કોઈ મુશ્કેલી હશે તેનું નિરાકરણ આવી જશે તેવો મને વિશ્વાસ છે. ઉલ્લેખનીય છે કે, પાટીલ દ્વારા ‘ સ્થિતિની મને ખબર નથી’નાં નિવેદનને લઈને લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud