રાપર : રાજ્યમાં ચકચાર મચાવનારા ધારાશાસ્ત્રી દેવજીભાઈ મહેશ્વરીની હત્યા મામલે ‘સીટ’ની તપાસ બાદ મહત્વનો ખુલાસો થયો છે. જેમાં કોઈ જમીનનાં વિવાદ નહીં પણ માત્ર બ્રાહ્મણ વિરોધી ફેસબુક પોસ્ટનાં કારણે દેવજીભાઈની હત્યા થયાનો ઘટસ્ફોટ થયો છે. તેમણે ફેસબુકમાં બ્રાહ્મણ સમાજ વિશે આપત્તિજનક પોસ્ટ મૂકી હતી. જેનું મનદુઃખ રાખીને ભરત રાવલે તેમને સરાજાહેર આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું રેન્જ IGPની અધ્યક્ષતામાં રચાયેલી ‘સીટ’ દ્વારા જણાવાયું છે.

ગત તારીખ 25 સપ્ટેમ્બરે સાંજે રાપર ધારાસભ્યનાં કાર્યાલય નીચે સરાજાહેર છરીના ઘા ઝીંકીને વકીલ દેવજીભાઈને મોતને ઘાટ ઉતારાયા હતા. આ બનાવનાં ઘેરા પ્રત્યાઘાત પડતા કચ્છમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને ચક્કાજામ કરાયો હતો. સમગ્ર મામલે મૃતકની પત્નીએ નવ આરોપીઓ સામે નામ જોગ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જમીન વિવાદને કારણે તેમની હત્યા થયાનો આક્ષેપ કરાયો હતો.

આ મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન બાદ ઘટનાની તપાસ માટે રેન્જ આઈજીપી જે.આર મોથલિયાનાં વડપણ હેઠળ ‘સીટ’ની રચના કરવામાં આવી હતી. જેમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન એડ્વોકેટ દેવજી મહેશ્વરી પોતાના ફેસબુક એકાઉન્ટ પર બ્રાહ્મણ સમાજ વિશે આપત્તિજનક પોસ્ટ મૂકતા હોવાનું સામે આવ્યું હતું. તેમજ આ અંગે આરોપી ભરત રાવલે દેવજીભાઈને ફોન કરી ફોનમાં ઉગ્ર બોલાચાલી કરી હોવાની હકીકત પણ સામે આવી છે. એટલું જ નહીં આ કારણે જ તેમની હત્યા કરવામાં આવી હોવાનો ઉલ્લેખ ‘સીટ’ની તપાસ બાદ જાહેર કરાયેલી પ્રેસનોટમાં પણ જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, આ મામલે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી ભરત ઉપરાંત મહેશ ભરતભાઈ પટેલ, પ્રકાશ ભીમજી બેરા તેમજ રાજેશ ઉર્ફે વિરમ લક્ષ્મણભાઈ દેવડાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓ હાલ જેલ હવાલે છે. જો કે આ મામલે ફરિયાદમાં જણાવેલા આરોપીઓની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી છે કે કેમ તે દિશામાં ન્યાયિક તપાસ ચાલુ છે. અને હાલ આ મુદ્દે વૈજ્ઞાનિક ઢબે અને ટેક્નિકલ સહિત સાંયોગિક રીતે પુરાવા મેળવવા માટે તમામ પાસાઓથી નિષ્પક્ષ રીતે તપાસ ચાલુ હોવાનું પણ ‘સીટ’ ની યાદીમાં જણાવાયુ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !