• એરકુલીંગ સ્પેરપાર્ટ મંગાવતી વેળાએ ઇમેલ હેક કરી ગઠીયાઓએ પૈસા ટ્રાન્સફર કર્યા
  • ચાઈનીઝ કંપનીને તેણે કોલ કરી પેમેન્ટ મળ્યું કે નહીં તે બાબતે પૂછતાં પોતે છેતરાઈ ગયાની વાત ધ્યાને આવી
  • ઈ-મેઈલ આઈડીથી બેંકને ફ્રોડ થયાની જાણ થતા જ બેંક દ્વારા તપાસ કરીને અરજદાર સંદીપના ખાતામાં 28521 યુએસ ડોલર ટ્રાન્સફર કરી આપ્યા 

WatchGujarat. શહેરનાં 150 ફૂટ રીંગ રોડ પર શિતલ પાર્ક નજીક રહેતા સંદીપ પ્રવીણભાઈ સાંકડેચા નામના એક વેપારી સાથે રૂા. 21 લાખનો ઓનલાઈન ફ્રોડ થયો હતો. સામાન્ય રીતે સાયબર ક્રાઈમના મોટાભાગના કેસોમાં ભોગ બનનારાઓને ફરિયાદ નોંધાવવા છતાં ગુમાવેલી રકમ પરત મળતી નથી. કારણ કે ગઠિયાઓ બીજા રાજ્યો કે બીજા દેશમાંથી ચિટિંગ કરતા હોય છે. પણ સાયબર ક્રાઈમ પોલીસની સતર્કતાને કારણે સદનસીબે વેપારીને આ રકમ પરત મળી ગઈ છે.

સાયબર ક્રાઈમ પોલીસના જણાવ્યા પ્રમાણે અરજદાર સંદીપ વાવડીમાં રાજ કુલિંગ નામની કંપની ધરાવે છે. તે ચાઈનાની એક કંપની પાસે એરકુલિંગના સ્પેરપાર્ટ્સ મંગાવતો હતો. ઘણાં સમયથી બંને પક્ષો વચ્ચે ધંધાકીય વ્યવહારો હતા. આ દરમિયાન બંને પાર્ટીના ઈ-મેઈલ આઈડી હેકરો દ્વારા હેક કરી ભળતા નામવાળું ઈમેઈલ આઈડી બનાવી તેમાંથી જૂનું બેંક એકાઉન્ટ બંધ થઈ ગયાનું જણાવી નવા બેંક એકાઉન્ટની માહિતી અપાઈ હતી. જેના આધારે અરજદાર સંદીપે ચાઈનીઝ કંપનીને તેના નવા બેંક ખાતામાં 21 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા મોકલ્યા હતા.

બાદમાં ચાઈનીઝ કંપનીને તેણે કોલ કરી પેમેન્ટ મળ્યું કે નહીં તે બાબતે પૂછતાં પોતે છેતરાઈ ગયાની માહિતી મળી હતી. જેને પગલે તેમણે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી કરી હતી. જેના આધારે પીઆઈ બી. એમ. કાતરીયાએ જે બેંક એકાઉન્ટમાં રકમ મોકલાઈ હતી તે બેંકનો સંપર્ક કરીને તમામ હકીકતોથી બેંકના જવાબદાર અધિકારીઓને વાકેફ કર્યા હતા. ઈ-મેઈલ આઈડીથી બેંકને ફ્રોડ થયાની જાણ થતા જ બેંક દ્વારા તપાસ કરીને અરજદાર સંદીપના ખાતામાં 28521 યુએસ ડોલર એટલે કે રૂ. 21 લાખની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

બેંકના અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી મુજબ આ રકમ પોર્ટુગલના લીસબેન શહેરની નોવા બેંકા નામની બેંકના ખાતામાં જમા થઈ હતી. આ બેંકની શાખાઓ ચાઈનામાં પણ છે. જો કે ખરેખર રકમ બેંકની કઈ શાખામાં જમા થઈ હતી તે વિશે સાયબર ક્રાઈમ પોલીસને કોઈ માહિતી મળી શકી નથી. અને ફ્રોડ કરનાર આરોપીઓ સુધી પહોંચવાનું કોઈ સુરાગ પણ મળ્યું નથી. પરંતુ સાઇબર ક્રાઇમે સમયસર લીધેલા પગલાંને કારણે વેપારીને તેના રૂપિયા પરત મળી ગયા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud