- ગોંડલમાં દીપડો ઘુસી આવવાની પહેલી વાર બનેલી ઘટના.
- રહેણાંક વિસ્તારમાં ઘુસી આવેલા દીપડાનો વનકર્મી પર હુમલો.
- ધોળે દિવસે દીપડો ઘુસી આવતાં રહીશોમાં ફફડાટ વ્યાપ્યો.
WatchGujarat. આજે ધોળે દિવસે ભાગવતપરા વિસ્તારમાં દીપડો આવી ચડતાં અફરાતફરી મચી જવા પામી હતી. દીપડાને પકડવાના પ્રયાસમાં એક વનકર્મી ઘાયલ પણ થયા હતાં. અત્રે ઉલ્લેખનિય છે કે, 80 વર્ષિય લાભુબહેન જેઠવા ફળિયામાં બેઠા હતાં ત્યાં જ દીપડો ધસી આવ્યો હતો. જોકે, તેમણે હિંમતભેર સાવરણી ઉગામતાં દીપડો ભાગીને સામે આવેલા બંધ મકાનમાં ઘુસી ગયો હતો. હાલ દીપડાને પાંજરે પુરવાની કવાયત ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
ઘટના અંગે મકાન માલિક સંદિપ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, અમે રૂમમાં બેઠા હતા ત્યારે અચાનક જ કૂતરા જેવું કંઈ દેખાતા હું જોવા ગયો હતો. જો કે ત્યાં દીપડો જ હોવાનું જણાતા મેં આસપાસના લોકોને એકઠા કર્યા હતા. આ દરમિયાન મારા ભાભીએ બાળકને લઈ લીધું હતું. અને અમે બધા લોકો ઘરની બહાર દોડી જતા જ સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. અને તરત જ વન વિભાગને આ અંગે જાણ કરી હતી.
વન વિભાગના અધિકારી શૈલેષ કોટડીયાએ કહ્યું હતું કે, સવારે 11 વાગ્યા આસપાસ ભગવતપરા વિસ્તારમાં દીપડો હોવાનો મેસેજ મળતા અમારી ટીમ આવી ગઈ હતી. અને હાલ સ્થળનું નિરીક્ષણ કરતા દીપડો ઘરમાં પુરાયો હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે જૂનાગઢ વનતંત્રની ટીમ સાથે મળીને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઘટનાને પગલે દોડી આવેલા સાંસદ રમેશ ધડુકે જણાવ્યું હતું કે, ગોંડલમાં દીપડો પ્રથમ વખત આવ્યો હોય લોકોમાં ભયનો માહોલ છે. પણ હાલ વન વિભાગના અધિકારીઓ તેમજ ડોક્ટર્સ આવી પહોંચ્યા છે. અને થોડા કલાકોમાં જ દીપડાને ખાસ ઈન્જેક્શન વડે બેભાન કરી પાંજરે પુરી લેવામાં આવશે.
હાલમાં જે મકાનમાં દીપડો પુરાયો છે તેની સામેના મકાનમાં 80 વર્ષીય લાભુબેન જેઠવા નામના વૃદ્ધા રહે છે. આ વૃદ્ધા ફળિયામાં બેઠા હતા. ત્યારે જ દીપડો આવ્યો હતો. જો કે આ વૃદ્ધાએ હિંમતભેર સાવરણી ઉગામતા જ દીપડો સામેના મકાનમાં ઘૂસી ગયો હતો. વૃદ્ધાની હિંમતને હાલ લોકો વખાણી રહ્યા છે.