• ગોંડલ નગરપાલિકાના નવા પ્રમુખ પદે શીતલબેન સમીરભાઈ કોટડીયા અને ઉપપ્રમુખ પદે સંજયભાઈ રમણિકભાઈ ધીણોજાની વરણી કરવામાં આવી
  • પદગ્રહણમાં પ્રમુખ સહિતનાઓએ ફુલહાર તો પહેર્યા પણ માસ્ક પહેરવાનું ભૂલી ગયા
  • કોરોના વધુ વકરે તો જવાબદાર કોણ ? જેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે

WatchGujarat. એકતરફ કોરોનાનું સંક્રમણ ફરી એકવાર વધી રહ્યું છે. બીજીતરફ નિયમોનું પાલન કરાવનારા પોતે જ ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરી રહ્યા છે. જેમાં આજે ગોંડલ નગરપાલિકાનાં હોદ્દેદારોની વરણી થતા જ પદ મળવાની ખુશીમાં કોરોના ભુલાઈ ગયો હતો. અને પદગ્રહણ સમયે માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં તમામ નિયમોનો ઉલાળીયો થયો હતો. અને ઉજવણી દરમિયાન નવનિયુક્ત પ્રમુખના સસરાએ તો ખુશી વ્યક્ત કરવા ઢોલી ઉપર રૂપિયાનો વરસાદ પણ વરસાવ્યો હતો.

ગોંડલ નગરપાલિકાના નવા પ્રમુખ પદે શીતલબેન સમીરભાઈ કોટડીયા અને ઉપપ્રમુખ પદે સંજયભાઈ રમણિકભાઈ ધીણોજાની વરણી કરવામાં આવી હતી. દરમિયાન ભાજપના આગેવાનો-કાર્યકરોએ કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવ્યા હતા. પદગ્રહણમાં પ્રમુખ સહિતનાઓએ ફુલહાર તો પહેર્યા પણ માસ્ક પહેરવાનું ભૂલી ગયા હતા. એટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સનો તો એક અંશ પણ ક્યાંય જોવા મળ્યો નહોતો.

બીજીતરફ નિયમો માત્ર સામાન્ય પ્રજા માટે જ હોય તેમ પ્રમુખ શીતલબેન કોટડીયાની વરણી થતા તેમના સસરાએ પ્રમુખ પદની ખુશીમાં માસ્ક પહેર્યા વગર કે સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વિના ઢોલી પર નોટના બંડલ ઉડાડી ઉજવણી કરી હતી. તો ભાજપના ઉમેદવારો અને કાર્યકરો રસ્તા વચ્ચે જ ઢોલના તાલે ઝૂમયા હતા. અને ફટાકડા પણ ફોડતા ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે કોરોના વધુ વકરે તો જવાબદાર કોણ ? જેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw
ઉલ્લેખનીય છે કે, એકતરફ રાજ્યમાં કોરોનાનાં કેસો વધતા મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકાર પણ ચિંતામાં છે. અને સતત નવી રણનીતિઓ ઘડવાની સાથે-સાથે લોકોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આ નિયમોનો અમલ નહીં કરનાર પાસેથી દંડનાં નામે કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવી ચુક્યા છે. ત્યારે ભાજપનાં આ આગેવાનો અને કાર્યકરો દ્વારા સરેઆમ નિયમોનો ઉલાળીયો કરવાને લઈને લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud