• મતદાનની તારીખો નજીક આવતા આક્ષેપ – પ્રતિઆક્ષેપના કિસ્સાઓમાં તેજી
  • ગત મોડીરાત્રે ભાજપનાં 3 માણસો મારા ઘરે આવ્યા અને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે રૂપિયા 10 લાખની ઓફર કરી હતી – સોનલબેન બગડા
  • રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો

WatchGujarat. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ  બરાબર જામ્યો છે. તેમજ આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયતની દડવી બેઠકનાં કોંગ્રેસના મહિલા ઉમેદવાર સોનલ રાજેશભાઇ બગડાએ ભાજપ ઉપર સણસણતો આક્ષેપ કર્યો છે. અને પોતાને ફોર્મ પરત ખેંચવા માટે રૂપિયા 10 લાખની ઓફર કરવામાં આવી હોવાનું જણાવી આ ઓફરનો અસ્વીકાર કરવા બદલ જાનથી મારવાની ધમકી પણ અપાઈ  હોવાનું જણાવતા રાજકારણ ગરમાયું છે.

સોનલબેન બગડાએ જણાવ્યા મુજબ, ગત મોડીરાત્રે ભાજપનાં 3 માણસો તેમના ઘરે આવ્યા હતા. તેમજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે રૂપિયા 10 લાખની ઓફર કરી હતી. સાથે જ ફોર્મ પરત નહીં ખેંચવામાં આવે તો જાનથી મારવાની ધમકી પણ ત્રણેય દ્વારા આપવામાં આવી હતી. જો કે તેઓ ધમકી મળતા જ તુરંત વહેલી સવારે 4 વાગ્યે જામકંડોરણાનાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. પરંતુ તેમનાં આશ્ચર્ય વચ્ચે પોલીસે પણ તેમની ફરિયાદ લીધી નથી. જેને લઈને તેણે જિલ્લા કલેકટર પાસે અનશનની મંજૂરી આપવા માંગ કરી છે.

નોંધનીય છે કે, રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠકો છે. અને આ 36 બેઠકો માટે ભાજપ કોંગ્રેસ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ઉમેદવારી પત્રકો પણ ભરાઈ ગયા છે. આજે આ માટે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ છે. જેમાં અપક્ષ ઉમેદવાર સહિત કુલ 3 ફોર્મ રદ થવાની શકયતા જોવાઇ રહી છે. ત્યારે દડવી બેઠકનાં કોંગ્રેસનાં મહિલા ઉમેદવારે આ આક્ષેપ કરતા લોકોમાં અનેક ચર્ચાઓ થવા લાગી છે. અને વિકાસની વાતો કરતું ભાજપ મહિલાઓને ધમકી આપવા ઉપર ઉતરી ગયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud