- જસદણના વીરનગર, હલેન્ડા બાદ રાજકોટના ત્રંબા ગામે ત્રણ સિંહો આવ્યા હતા
- ગોંડલ તાલુકાના રિબડા અને ગુંદાસરાની સીમમાં રેલવે સ્ટેશન પાસે સિંહ દેખાયો હતો. આ તકે વનરાજા શિકાર કરી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
WatchGujarat. જિલ્લામાં જસદણના વીરનગર, હલેન્ડા બાદ રાજકોટના ત્રંબા ગામે ત્રણ સિંહો આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય સિંહોએ કોટડાસાંગાણી પંથકમાં ધામા નાખ્યા હતા. હવે ગોંડલ તાલુકા તરફ સિંહો વળ્યાં હોવાનું જાણવા મળઈ રહ્યું છે. આજે વહેલી સવારે ગોંડલના અરડોઈ ગામે રસ્તા વચ્ચે સિંહ ત્રિપુટીએ ધામા નાખ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના રિબડા, ગુંદાસરા અને શાપરની સીમમાં પણ વનરાજા મહેમાનગતિ માણી ચૂક્યા છે. ત્યારે ગત સાંજના સમયે અને મોડી રાત્રિના સમયે સાવજો સીમ વિસ્તારોમાં જેવા મળે છે. ગોંડલ તાલુકાના રિબડા અને ગુંદાસરાની સીમમાં રેલવે સ્ટેશન પાસે સિંહ દેખાયો હતો. આ તકે વનરાજા શિકાર કરી રહ્યા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.
ઉલ્લેખનીય છે કે, કોટડાસાંગાણી તાલુકાના રાજપરા, નારણકા સહિતના ગામોમા સિંહોએ લાંબા સમયથી ધામા નાખ્યા હતા. ભાયાસર, પડવલા અને છેક શાપર-વેરાવળ સુધી પણ મારણ કરી મિજબાની માણી ચૂક્યા છે. ત્યારે મોડી રાત્રિના સમયે સાવજો અરડોઇ જવાના માર્ગ પર જોવા મળ્યા હતા તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સિંહોના આગમનથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.