• મૃતકની પત્ની મીરાનાં બીજા લગ્ન હોઈ તેણી પ્રથમ પતિને મળતી હોવાની શંકા રાખી સલીમ અવારનવાર ઝઘડો કરતો
  • મીરા પતિને પૂછ્યા વિના મામાની દીકરીની સગાઈમાં જતા બંને વચ્ચે ઝઘડો થયો
  • મામા અને તેનો દીકરો સહિતના શખ્સો સાથે સલીમની બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બનતા હથિયારો વડે હુમલો કરાયો

WatchGujarat. શહેરનાં થોરાળા વિસ્તારમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં પત્ની પર આડા સંબંધની શંકા કરતા પતિને બે કૌટુંબિક સાળા સહિતના શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો છે. જ્યારે સામાપક્ષે ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. ઘટના અંગેની જાણ થતા થોરાળા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનામાં ત્રણ લોકોને ઇજા થતાં તેમને સારવારમાં ખસેડવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગત મુજબ, ખોખળદળ નદીના પુલ પાસે સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં સલીમ દાઉદભાઈ અજમેરી નામના શખ્સની હત્યા કરવામાં આવી હતી. જેમાં તેની પત્ની મીરાના મામાના દીકરા સંજય તેમજ મામા ઉમેશભાઈ સહિતનાઓએ છરી તલવાર પાઇપ ધોકાના ઘા ઝીંકી ક્રૂર હત્યા નિપજાવી હતી. મૃતકની પત્ની મીરાનાં બીજા લગ્ન હોઈ તેણી પ્રથમ પતિને મળતી હોવાની શંકા રાખી સલીમ અવારનવાર ઝઘડો કરતો હોવાનું અને બંનેને 8 વર્ષના લગ્ન જીવનમાં બે સંતાન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આજે મીરા પતિને પૂછ્યા વિના મામાની દીકરીની સગાઈમાં જતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મીરાનાં મામા અને તેનો દીકરો સહિતના શખ્સો સાથે સલીમની બોલાચાલી થઈ હતી. બાદમાં મામલો ઉગ્ર બનતા હથિયારો વડે હુમલો કરાયો હતો. અને સલીમને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. જ્યારે આ ધમાલમાં સાજન પ્રભાતભાઈ સોલંકી, બિલાલ સલીમભાઈ, અકરમ સલીમભાઈ પણ ઘાયલ થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમેં તમામની પૂછપરછ શરૂ કરી છે.

આ અંગે મૃતકની પત્ની મીરાબેને જણાવ્યું હતું કે, પોતે પતિ સલીમને પૂછ્યા વિના ભાઈની દીકરીની સગાઈમાં ગઈ હતી. જેને લઈને ઝઘડો થયો હતો. જેમાં તેણીએ પોતાના ભાઈ અને મામાનાં દીકરાને જાણ કરી હતી. બાદમાં ઘરે પહોંચતા પતિએ પૂછ્યા વિના જવા મુદ્દે માર માર્યો હતો. જો કે પોતે હવે પછી પૂછ્યા વિના નહીં જવા જણાવ્યું હતું. બાદમાં પતિ અને પોતાના બંને કૌટુંબિક ભાઈઓ વચ્ચે ફોનમાં ઝઘડો થયા બાદ આ ઘટના બની હતી.

થોરાળા પોલીસ ઇન્સપેક્ટર જી. એમ. હડિયાનાં જણાવ્યા મુજબ, પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનામાં સામાપક્ષે પણ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હોઈ તેને સારવારમાં ખસેડાયો છે. સમગ્ર ઘટના અંગે વધુ વિગત તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવી શકશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud