• બાથરૂમ જવાના બહાને વાહન ઉભું રખાયું
  • અજાણ્યા શખ્સોએ ફરિયાદીને મારીને લુંટી લીધો
  • સમગ્ર મામલે પોલીસ ફરિયાદ બાદ મિત્રએ વટાણા વેર્યા

WatchGujarat. શહેરમાં મિત્ર દ્વારા મિત્રને જ લૂંટી લેવાની ઘટના સામે આવી છે. જેમાં રેલનગરમાં કાવતરું ઘડી મિત્રએ પોતાના સાગરીતો સાથે મળીને પોતાના મિત્રની સોનાની ઘડિયાળ અને કડું લૂંટી લીધા હતા. ઘટનાની ફરિયાદ નોંધાતા પ્રનગર પોલીસે ગણતરીની કલાકોમાં પાંચ આરોપીને ઝડપી લઈ રૂ. 4.50 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી અન્ય એક ફરાર શખ્સને ઝડપી લેવા તપાસ આદરી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, ભોગ બનનાર હિતેશ મુંગરાએ આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે કહ્યું હતું કે, પોતે ગત મોડી સાંજે તેના મિત્ર શાહરુખ માંગરીયા સાથે બેડી ચોકડી પાસે આવેલ મામાપીરના મંદિરે દર્શન કરવા ગયો હતો. મંદિરેથી દર્શન કરી પરત ફરતા રેલનગર સાધુવાસવાણી કુંજ રોડ પર શાહરૂખે બાથરૂમ જવાનું બહાનું કાઢી સ્કૂટર અવાવરુ જગ્યાએ ઊભું રખાવ્યું હતું. તે અરસામાં પાંચ જેટલા શખ્સો અલગ-અલગ બાઇક લઈ હિતેશ પાસે આવી પહોંચ્યા હતા અને તેને ઢીકા-પાટુનો મારમારી ધાડ પાડી સોનાની ઘડિયાળ તેમજ સોનાના કડાની લૂંટ ચલાવી નાસી છૂટયા હતા.
આ ફરિયાદ મળતા જ પોલીસે હિતેશને સાથે રાખીને તેના મિત્ર શાહરુખની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં તેને પોલીસ સમક્ષ વટાણા વેરી નાખ્યા હતા અને તેણે પોતે જ લૂંટનું કાવતરુ રચ્યું હોવાની કબૂલાત પોલીસને આપી હતી. પોલીસ સામે પોપટ બની ગયેલા શાહરુખે લૂંટ-ધાડમાં સામેલ સહ આરોપીઓના નામ સરનામા પણ આપી દીધા હતા. જેને પગલે પ્રનગર પોલીસે જ ગણતરીની કલાકોમાં છ પૈકી પાંચ આરોપીની ધરપકડ કરી લૂંટમાં ગયેલ 4.66 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જ્યારે એક આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે મુખ્ય આરોપી શાહરુખ માંગરીયા પોતે રેડિમેડ કપડાંની દુકાનમાં નોકરી કરે છે. ભોગ બનનાર હિતેશ અવારનવાર કપડાં લેવા આવતો હતો. જેથી શાહરુખ અને હિતેશ છેલ્લા દોઢ વર્ષથી મિત્ર હતા. છેલ્લા ત્રણ દિવસથી શાહરુખ લૂંટનો પ્લાન બનાવતો હતો. આખરે 18 તારીખે તેના મળતીયાઓ સાથે મળી તેને લૂંટ અને ધાડને અંજામ આપ્યો હતો . પોલીસે ઝડપી પાડેલ પાંચ આરોપીમાથી સરફરાજ અગાઉ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં ઝડપાઇ ગયેલ છે. જ્યારે સદામ પરમાર નામનો આરોપી આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.

https://www.youtube.com/channel/UCX7AfdPesGhOp6nacJQPiFw

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud