• 8 ફેબ્રુઆરીનાં રોજ મવડી ચોકડીએ બૂક લેવા ગયેલી પુત્રી પરત ન ફરતા શોધખોળ હાથ ધરી હતી
  • વચ્ચે ક્રિષ્ના અંધેરીમાં આવેલા ફિલ્મ સ્ટુડિયો ખાતે હોવાની માહિતી મળતાં તાલુકા પોલીસનો સ્ટાફ અને પરિવાર ત્યાં પહોંચ્યો હતો
  • મારે સાબિત કરવું છે કે સમાજમાં પરિવારમાં દિકરા જે કરી શકે તે દીકરી પણ કરી શકે –  કરાટે ચેમ્પિયન ક્રિષ્ના
  • ઘરેથી નિકળ્યા બાદ બસમાં સુરત પહોંચી. ત્યાર બાદ ખર્ચ પુરો કરવા માટે સોનાની બુટ્ટી વેચી

WatchGujarat. શહેરનાં મવડી વિસ્તારમાં રહેતી ધો.11ની છાત્રા ઘરેથી માત્ર રૂ.500 લઈ બુક લેવા નિકળ્યા બાદ એક્ટ્રેસ બનવા મુંબઈ પહોંચી ગઈ હતી. આ દરમિયાન રસ્તામાં એકલી જોઈને છેડતી કરવાનો પ્રયાસ કરનાર કેટલાક લોકો સામે હિંમતભેર લડત પણ આપી હતી. તેમજ રૂપિયા ખૂટી જતા સોનાની બુટી વેંચીને સ્ટુડિયો સુધી પહોંચી હતી. જોકે બાદમાં ઓડિશન એક મહિના પછી હોવાથી સ્ટુડિયો સંચાલક મારફત ઘરે જાણ થતાં પોલીસની મદદથી પરિવાર તેણીને પરત લાવ્યો છે. આ અંગે ક્રિષ્ના નામની આ 16 વર્ષીય સગીરાએ પોતે જ વિગતો આપી હતી. અને કહ્યું હતું કે, ‘દીકરો જે કરી શકે તે દીકરી પણ કરી શકે તે સાબિત કરવા પોતે આ પગલું ભર્યું હતું. મારી સાથે હું છું ને..’ પિતાએ પણ 4 દિવસ બાદ દીકરી પરત આવતા કેક કાપી ઉજવણી કરવાની સાથે કહ્યું હતું કે, મારી દીકરી તો સિંહણ છે.

કરાટે ચેમ્પિયન ક્રિષ્નાનાં જણાવ્યા મુજબ, કોઈએ મારૂ અપહરણ નહોતું કર્યું, હું મારી જાતે મુંબઇ ગઇ હતી. મારે સાબિત કરવું છે કે સમાજમાં પરિવારમાં દિકરા જે કરી શકે તે દીકરી પણ કરી શકે. પરંતુ આ માટે દીકરી પોતાની રીતે પોતાના ગોલ સુધી પહોંચવા સક્ષમ હોવી જોઇએ. હું કરાટે અને યોગા ચેમ્પિયન છું. કોઇ મારી સાથે ખોટુ કરવું તો દૂર ખરાબ નજર કરે તો પણ હું તેને પાઠ ભણાવવા સક્ષમ છું. હું 8 ફેબ્રુઆરીએ ઘરેથી રૂ. 500 લઇને નીકળી હતી. આધારકાર્ડ ન હોવાથી ટ્રેનમાં ટિકિટ ન મળતા બસમાં બેસી સુરત પહોંચી હતી. ત્યાં ગયા પછી પૈસા ખુટી ગયા હતાં. એટલે મજબૂર થઇને મારે સોનાની બુટી વેચવી પડી હતી.

દરમિયાન મને એકલી જોઇને કેટલાક શખ્સોએ નજર બગાડી હતી. પરંતુ આવા શખ્સોને મેં બરાબરનો પરચો આપ્યો હતો. બાદમાં વાપીથી મુંબઇ રવાના થઇ હતી. પણ ઉંઘ આવી જતાં માલેગાંવ પહોંચી ગઇ હતી. એ પછી ફરી બસ મારફત મુંબઇ જઇ અંધેરી સ્ટેશન સુધી ટ્રેનમાં ગઇ હતી. ત્યાંથી ચાલતા ચાલતા ફિલ્મ સ્ટુડિયો તરફ રવાના થઇ હતી. અને સ્ટુડિયો ન મળતાં રિક્ષામાં ત્યાં પહોંચી હતી. અને મેં વિનંતી કરતાં મને અંદર જવા દેવામાં આવી હતી. જોકે સંચાલકે હાલ શુટિંગ ચાલુ હોય એક મહિના પછી ઓડિશન હોવાનું કહેતા હું નિરાશ થઈ હતી.

બાદમાં સંચાલકે પૂછપરછ કરતા મેં તેને સમગ્ર હકીકત જણાવી હતી. અને તેમણે હું છેક રાજકોટથી આવી હોવાનું જાણી મને જમાડી હતી. સાથે જ ઓડિશનો શરૂ થાય ત્યારે મને બોલાવવાની ખાતરી પણ આપી હતી. અને ત્યારબાદ મારા ઘરે ફોન કરતાં હું પરિવાર સુધી પહોંચી હતી. મેં કરેલા આ કામ બદલ મને કોઈ અફસોસ નથી. છતાં હું કોઇને એમ પણ નથી કહેતી કે તમે આવી રીતે પરિવારની જાણ બહાર નીકળી જજો. કારણ કે, બધા મારા જેટલા સક્ષમ ન પણ હોય, હું જે મુશ્કેલીઓ સામે સરળતાથી લડી શકુ તેની સામે લડવું બધા માટે શક્ય ન પણ હોય. પણ એટલુ તો ચોક્કસ કહીશ કે દિકરા જે કરી શકે એ દીકરીઓ પણ કરી જ શકે. માત્ર આ વાત સાબિત કરવા જ હું ઘરેથી નીકળી ગઇ હતી.

બીજીતરફ પિતા મનોજભાઈનાં જણાવ્યા મુજબ, 8 ફેબ્રુઆરીનાં રોજ મવડી ચોકડીએ બૂક લેવા ગયેલી પુત્રી પરત ન ફરતા શોધખોળ હાથ ધરી હતી. અને તેની કોઈ ભાળ નહીં મળતા તાલુકા પોલીસમાં ફરિયાદ કરી હતી. સગીર ગુમ થવાના કિસ્સામાં તરત FIR દાખલ કરવાનો નિયમ હોવાથી PI જે.વી. ધોળાની રાહબરીમાં PSI મોરવાડીયા તેમજ સ્ટાફે અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે મળતી માહિતી અનુસાર સુરત, મુંબઇ સહિતના શહેરો સુધી તપાસનો દોર લંબાવ્યો હતો. આ બધાની વચ્ચે ક્રિષ્ના અંધેરીમાં આવેલા ફિલ્મ સ્ટુડિયો ખાતે હોવાની માહિતી મળતાં તાલુકા પોલીસનો સ્ટાફ અને પરિવાર ત્યાં પહોંચ્યો હતો. અને તેને હેમખેમ પરત લાવવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ક્રિષ્નાએ પોતાની બૂકમાં એક નોંધ પણ લખી છે. જેમાં લખ્યું છે કે- મારે 10મું પુરૂ થાય પછી સાયન્સ જ લેવું છે, કારણ કે મને સાયન્સમાં જ રૂચી છે. કોઇ શું કહે છે તેનાથી કંઇ લેવા દેવા નથી. હું ગોલ સુધી તો પહોંચીને જ રહીશ, મારી સાથે હું છું ને.. ક્રિષ્ના બે બહેન એક ભાઇમાં બીજા નંબરે છે. પિતા મનોજભાઇએ કહ્યું હતું કે મારી દિકરી સિંહણ જેવી છે. અમે તેને તેના લક્ષ્ય સુધી પહોંચવા તમામ સહકાર આપીશું. અમારી દિકરી માટે અમને ગૌરવ સાથે તે કોઈ ખોટો રસ્તો ન અપનાવે તેની પુરેપુરી ખાત્રી છે. તેણે સાબિત કર્યુ છે કે, તે તેના ધ્યેય સુધી પહોંચવા સક્ષમ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud