- ગુજરાત અને એમપીમાં લૂંટ તેમજ અનેક ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગના 4 સભ્યોને ઝડપી પાડ્યા
- 14 જેટલા વણ શોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો
- પોલીસે રૂ. 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો
WatchGujarat Rajkot ગ્રામ્ય પોલીસે હાઇવે પર વાહનચાલકોની આંખમાં મરચું છાંટી લૂંટ તેમજ ગુજરાત અને એમપી ખાતે અનેક ઘરફોડ ચોરીને પણ અંજામ આપતી એક ગેંગનાં 4 સભ્યોને ઝડપી પાડયા છે. અને 14 જેટલા વણ શોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ પાસેથી પોલીસે રૂ. 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આરોપીઓનાં નામ અનસિંગ કામલીયા, રાજુ વસુનિયા, રાહુલ વસુનિયા તેમજ દીપુ વસુનિયા છે. આ તમામ આરોપીઓ માત્ર ગુજરાત જ નહીં મધ્યપ્રદેશમાં પણ ઘરફોડ ચોરી અને લૂંટના અનેક ગુનાઓને અંજામ આપી ચુક્યા છે. હાલ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પણ આરોપીઓએ પોતે 14 ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસે આંખમાં મરચું છાંટી લૂંટ તેમજ ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગને ઝડપી પાડી#WatchGujarat #Rajkot #GUJARATINEWS pic.twitter.com/FYp4kCHxRQ
— Watch Gujarat (@WatchGujarat) November 28, 2020
હાલ તો રાજકોટ ગ્રામ્ય પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથોસાથ આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી તેમના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. પોલીસને શંકા છે કે, આ ગેંગમાં હજુ વધુ સભ્ય સામેલ હોઈ શકે છે. તેમજ આ ટોળકીએ ગુજરાત મધ્યપ્રદેશમાં વધુ ગુનાઓ આચર્યા હોવાની આશંકા પણ પોલીસે વ્યક્ત કરી છે. નોંધનીય છે કે, ચારેય આરોપીઓ પૈકી અનસિંગ સામે અગાઉ મધ્યપ્રદેશમાં જ આર્મ્સ એકટ સહિતના ગુના નોંધાઈ ચુક્યા છે.
કેવી હતી આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આ કામના આરોપીઓ ચોરીના સમયે સામનો કરવા માટે પથ્થર મરચું પાવડર તેમજ એર ગન સહિતના વિવિધ સાધનો સાથે રાખતા હતા. તેમજ મકાનની વંડી ટપીને તથા તાળા નકૂચા તોડી મકાન અને મંદિર સહિત વાહનોની ચોરીને અંજામ આપતા હતા. જરૂર પડ્યે હાઇવે પર કોઈપણ વાહનચાલકને રોકી એરગન વડે ડરાવી ગાડીના કાંચ ફોડીને લૂંટ કરતા પણ અચકાતા ન હતા.