• ગોકુલ હોસ્પિટલના જુના અને નવા બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી તો ઠીક, બાંધકામના નિયમો પણ નેવે મુકાયા
  • બંને બિલ્ડીંગ વચ્ચે રોડ નીકળતા રોડની ઉપરથી જ બ્રીજનો તોતીંગ માચડો ખડકી દેવાયો
  • ટાઉન પ્લાનીંગ એક્ટ મુજબ અગાસી ખુલ્લી નહિ રાખી ડોમનું ગેરકાયદે બાંધકામ
  • ફાયર ડોમનું ગેરકાયદે બાંધકામ સરેઆમ ખડકી દેવાયું હોવા છતાં તંત્ર ચૂપચાપ
  • ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગની જગ્યામાં ઓફિસ બનાવી નાખવામાં આવી

WatchGujarat ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગમાં 5 દર્દીઓના મોત નિપજ્યા બાદ કોર્પોરેશન તંત્ર દ્વારા શહેરની હોસ્પિટલોમાં ચેકીંગનું નાટક પણ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ હોસ્પિટલનું સંચાલન કરનાર વિદ્યાનગર રોડની ગોકુલ હોસ્પિટલમાં જ જુના અને નવા બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી તો ઠીક, બાંધકામના નિયમો પણ નેવે મુકવામાં આવ્યા છે. અને બંને બિલ્ડીંગ વચ્ચે રોડ નીકળતા રોડની ઉપરથી જ બ્રીજનો તોતીંગ માચડો ખડકી દેવાયો છે. એટલું જ નહીં અગાસી ઉપર ફાયર ડોમનું ગેરકાયદે બાંધકામ સરેઆમ ખડકી દેવાયું હોવા છતાં તંત્ર ચૂપચાપ છે.

ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલનું સંચાલન સંભાળીને એકસાથે 5 દર્દીના મોતના સીધા જ જવાબદાર ગોકુલ હોસ્પિટલના સંચાલક ડો.પ્રકાશ મોઢા અને ડો.વિશાલ મોઢાની વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી જુની અને નવી હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોનો સરેઆમ ઉલળીયો કરાયો છે. જેમાં જુની-નવી હોસ્પિટલમાંથી ડોકટરો અને નર્સિંગ સ્ટાફને એક બીજી બિલ્ડીંગમાં સામેસામે અવરજવર કરી કરવા માટે જ જાહેર રોડ ઉપરથી પસાર થાય એ રીતે બ્રીજ બનાવાયો છે. દર્દી અને તેના સંબંધીઓને આ બ્રિજ પરથી અવરજવર કરવાની મનાઇ છે.

આ ઉપરાંત બિલ્ડીંગની નીચે આવેલા ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્કિંગની જગ્યામાં ઓફિસ બનાવી નાખવામાં આવી છે. એટલું જ નહીં ટાઉન પ્લાનીંગ એક્ટ મુજબ પણ અગાસી ખુલ્લી રાખવી ફરજિયાત છે. તેમાં કોઇપણ પ્રકારનું હંગામી કે કાયમી બાંધકામ ગેરકાયદેસર છે. પરંતુ અહીં ગોકુલ હોસ્પિટલમાં અગાસી પેક કરીને ફાયર ડોમથી આખો ગેરકાયદે માળ ખડકી દેવામા આવ્યો છે. આ ફાયર ડોમમાં કેન્ટિન ચાલતી હોવાનું પણ કહેવાય છે. જેમાં આગ લાગે તો આખી હોસ્પિટલ આગની લપેટમાં આવી જાય તેમા શંકાને કોઇ સ્થાન નથી.

બહારથી પણ સ્પષ્ટ દેખાય તેવો બ્રીજ અને ફાયર ડોમ તપાસનાં નાટક કરતા કોર્પોરેશન તંત્રને નજરે પડતા જ નથી. અને માત્ર બે જ બિલ્ડીંગના ટેકા ઉપર કોઇપણ જાતના આધાર વગર રોડ ઉપરથી પસાર થાય એ રીતે ખડકી દેવાયેલો બ્રીજનો માચડો કોઈ રાહદારી ઉપર તૂટી પડે તેની રાહમાં મનપા તંત્ર હોય તેવું લોકોમાં પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ થાય છે કે, જો આવું કાંઈ બને તો જવાબદાર મ્યુ. કમિશ્નર અગ્રવાલ રહેશે કે મેયર બીનાબેન આચાર્ય ?

રાજકોટ મહાનગરપાલિકાનાં પૂર્વ ટાઉન પ્લાનર બકુલ રૂપાણીનાં જણાવ્યા મુજબ, જી.ડી.સી.આર.નાં નિયમ અનુસાર જાહેર રોડ હોય તેની ઉપરથી પસાર થાય તે રીતે હોર્ડિંગ્સ બોર્ડ કે બેનર પણ લગાવવાની મંજૂરી મળતી નથી. તો પછી અહીં તો ગોકુલ હોસ્પિટલની નવી અને જુની બિલ્ડીંગ વચ્ચે બ્રીજ બનાવી નખાયો છે, એ સંપુર્ણ ગેરકાયદેસર જ છે. આ પ્રકારની કોઇ બાંધકામ પરવાનગી આપી ન શકાય. ત્યારે હવે મેયર મેડમ અને કમિશ્નર સાહેબ આ અંગે ક્યારે કાર્યવાહી કરે છે તેના પર લોકોની મીટ મંડાયેલી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud