• જિલ્લા બેંકના ૧૮ કર્મચારીઓ કોરોનાના ભરડામાં
  • બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ સંક્રમિત થયા
રાજકોટ. શહેરમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અને પોઝીટીવ કેસ તેમજ મૃતકોની સંખ્યામાં લગાતાર વધારો નોંધાઇ રહ્યો છે. ગઈકાલે એક રાતમાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં મળીને સૌથી વધુ 39 દર્દીઓનાં મોત નિપજતાં હાહાકાર મચી ગયો છે. બીજીતરફ રાજ્યસભાનાં સાંસદ અભય ભારદ્વાજની તબિયત લથડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સાથે જ જિલ્લા બેંકના ચેરમેન અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા બાદ બેંકનાં 18 કર્મચારીઓનાં રિપોર્ટ પણ પોઝીટીવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
ગત તારીખ 31 ઓગષ્ટનાં રોજ રાજયસભાનાં સાંસદ અભય ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ સીએમ રૂપાણીનાં કહેવાથી તેઓ શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. આજે 15 દિવસ બાદ તેમની તબિયત અચાનક લથડી હતી. અને ફેફસામાં ઇન્ફેકશન વધી જતાં તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. સાંસદની તબિયત લથડતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે.
જિલ્લા બેંકના ૧૮ કર્મચારીઓ કોરોનાના ભરડામાં
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા સહકારી બેંકનાં ચેરમેન અને કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ જિલ્લાની શાખાઓનાં બેંકના કર્મચારીઓનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં 18 જેટલા કર્મચારીઓે કોરોનાથી સંક્રમિત થયા હોવાનું સામે આવતા તમામને હોમ આઈસોલેશનમાં ખસેડાયા છે. આ ઘટનાને લઈને બેંકના કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.
બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ સંક્રમિત થયા
સૌરાષ્ટ્રનાં જાણીતા ધારાશાસ્ત્રી અને રાજકોટ બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ અનિલભાઈ દેસાઈની તબિયત લથડતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં તેનો રિપોર્ટ પણ પોઝીટીવ આવતા  જાણીતા ફિઝીશયન ડો. સંજયભાઈ ભટ્ટની તબીબી સલાહ અનુસાર તેઓ પોતાના ઘરે જ “હોમ આઇસોલેશન” અંતર્ગત સારવાર   લઈ રહ્યા છે. જો કે હાલ તેમની તબિયત સારી હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા એકાદ માસથી કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. જેને લઈને ખુદ આરોગ્ય અગ્ર સચિવ પણ ખાસ ડોક્ટર્સની ટિમ સાથે 10 દિવસથી વધુ સમય રોકાયા હતા. જોકે તેમના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા હોય તેમ શહેરમાં પોઝીટીવ કેસ અને મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. જેને પગલે તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે.
Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud