• રાજકોટ સંતકબીર રોડ ઉપર આંબાવાડીમાં રહેતી માતા-પુત્રી સાથે બપોરે 2 વાગે બનેલી ઘટના
  • ગાયે માતા-પુત્રીને પાછળથી શીંગડા ભરાવી ઉંછાળી પટકી હતી
  • 2 વર્ષની બાળકીને તો ગાય ઢસડીને પગ વડે ખૂંદી રહી હતી અને માતાએ બાથ ભીડી

WatchGujarat. ‘માં તે માં બીજા બધા વગડાનાં વા’ કહેવતને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે. જેમાં 2 વર્ષની બાળકીને ગાયે ઉલાળતા માતાએ બાથ ભીડીને તેણીનો જીવ બચાવ્યો હતો. જોકે આ ઘટનામાં માતા-પુત્રી બંને ઘાયલ થયા હતા. તેમજ પુત્રીને 10 ટાંકા આવ્યા હતા. આ ઘટનાને લઈ મનપા દ્વારા રેઢિયાળ પશુઓનાં ત્રાસ અંગે કરવામાં આવતી કાર્યવાહી સામે પણ ફરી સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ આ મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પણ ટકોર કરી હતી. અને મનપાએ આવા ઢોર પકડવા સઘન કાર્યવાહી શરૂ કરી હતી. છતાં આવારા પશુનાં આતંકની ઘટના વારંવાર સામે આવી રહી છે.

માતાની હિંમતનાં આ બનાવની જાણવા મળી રહેલી વિગતો મુજબ, સંતકબીર રોડ ઉપર આંબાવાડિમાં રહેતા 28 વર્ષીય લીલાવતીબેન સંજયભાઈ પ્રજાપતિ રવિવારે બપોરે તેની 2 વર્ષની પુત્રી આસીબેન પ્રજાપતિ સાથે બજારમાં હટાણું કરવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ લાલ કલરથી ભુરાયી થયેલી ગાયે માતા-પુત્રીને પાછળથી શીંગડા ભરાવી ઉછાળીને પટકી દીધા હતા. અને 2 વર્ષની બાળકીને તો ઢસડીને પગ વડે ખૂંદી રહી હતી.

આ દ્રશ્યો જોઈ માતા રણચંડી બની હતી. અને પુત્રીને છોડાવવા ગયેલી માતાએ ગાય સાથે રીતસર બાથ ભીડી હતી. ગાયના મારથી પુત્રીને બચાવવા પડેલી માતાનું સાહસ જોઈ અન્ય શાકભાજી-ફ્રૂટના ધંધાર્થીઓ ત્યાં દોડી ગયા હતા. અને લાકડી વડે ગાયને માર મારીને મહામહેનતે માતા-પુત્રીને છોડાવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત માતા-પુત્રીને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું માથું ફાટી જતા ડોક્ટર દ્વારા 10 ટાકા લેવામાં આવ્યા હતા. જ્યારે માતાના પગમાં પણ મૂંઢમાર લાગ્યો હોય સારવાર કરવામાં આવી હતી.

રખડતા ઢોરનાં ત્રાસની વધુ એક ઘટનામાં જાગનાથનાં મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે 70 વર્ષીય વૃદ્ધા ગાયોના ટોળામાં રોટલી દેવા ગયા હતા. જ્યાં એક ગાયે ઢીક મારી તેમને ઉલાળતા ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ અંગેની જાણ થતા પરિવારજનોએ દોડી જઇ ગંભીર હાલતમાં આ વૃદ્ધાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા. નોંધનીય છે કે શહેરમાં રેઢિયાળ પશુના કારણે ભૂતકાળમાં અનેક વખત લોકોને નાની-મોટી ઈજા થવા અને મૃત્યુ થયાના બનાવ ભુતકાળમાં બન્યા છે. આ મુદ્દે અનેક વખત મ્યુનિસિપલ તંત્રને રજુઆત પણ કરવામાં આવી છે. આમ છતાં મનપા તંત્ર પાસે આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ કે આયોજન તંત્ર પાસે નથી.

Facebook Comments Box

Videos

Our Partners